Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ચાર વર્ષ પહેલાના વાંકાનેરના કોઠારીયા ગામે યુવાનની હત્યાના કેસમાં બે આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ

 રાજકોટઃ તા.૨૧, વાંકાનેરના કોઠારીયા પાસે કૌટુંબીક પ્રસંગમાં થયેલ માથાકુટનો ખાર રાખી સતીશ પરસોત્તમભાઈ ચાવડાની થયેલી હત્યાના કેસમાં બે આરોપીઓને સેશન્સ અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.  બનાવની વિગત એવી છે કે વર્ષ-૨૦૧૭ના અરસામાં અગાઉં કૌટુંબિક પ્રસંગે થયેલી માથાકૂટ મામલે કોઠારીયા ગામ પાસે સતીષ પરસોતમભાઈ ચાવડાને શરીરે લાકડી તથા પાઈપ વડે ઢોરમાર મારી તેના કાકાના ઘર પાસે મુકી જઈ તેને ગંભીર હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ જયાં ડોકટરએ તેને મરણ જાહેર કરેલ. જેથી ગુજરનારના કાકા ખેંગારભાઈ નાથાભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) મહેન્દ્ર પોપટભાઈ ચાવડા તથા (૨) દિલીપ નાનજીભાઈ ચાવડા વિરૂધ્ધ ખુનના ગુન્હા અંગેની ફરીયાદ નોંધાવેલ. સદરહુ ફરીયાદના અનુસંધાને તપાસનીશ અધિકારી દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરેલ અને અદાલત સમક્ષ સદરહુ ગુન્હા અંગેનું ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.
આ કેસ ચાલવા ઉંપર આવતા મોટા મોટા સરકાર પક્ષ દ્વારા કુલ-૩૦ સાહેદોને તપાસવામાં આવેલ તેમજ ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ઉંપર આધાર રાખવામાં આવેલ. અને સદરહુ ગુન્હાને ફરીયાદ તથા દસ્તાવેજી પુરાવાથી સમર્થન મળી આવતું હોય જેથી આરોપીઓને સજા ફરમાવવા અરજ કરેલ.
આ કામમાં આરોપીઓ તરફે  એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ સદરહુ કેસ સાંયોગીક પુરાવાને લગતો કેસ છે. આ કામમાં ફરીયાદી દાર્શનિક સાહેદ ન હોય, સદરહુ બનાવને ૪ દાર્શેનિક સાહેદો દ્વારા સમથૅન મળતું નથી, તેમજ તપાસનીશ અધિકારી દ્વારા કરવામાં આવેલ અન્ય કાર્યવાહીઓને સ્વતંત્ર સાહેદો તથા પંચો દ્વારા સમર્થન મળતું નથી. આમ, ફરીયાદ પક્ષ તેનો કેસ પુરવાર કરવામાં સદંતર રીતે નિષ્ફળ નિવડેલ હોય જેથી સદરહુ ગુન્હામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જણાવ્યું હતું.
આ કેસમાં મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.ડી.ઓઝાએ આ કામના બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કામના આરોપી તરફે રાજકોટના એડવોકેટ  લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૂગ, નિશાંત જોષી, દેવેન ગઢવી તથા જીતેન અગેચાણીયા રોકાયેલા હતા.

 

(12:00 pm IST)