Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કચ્છના રાપર, નખત્રાણામાં ધોધમાર વરસાદ : ત્રણ જગ્યાએ વીજળી ત્રાટકી

અંજાર, ભુજ, મુન્દ્રા, માંડવી સહિત અન્ય વિસ્તારોમાં ધીરે ધીરે વરસાદ જામ્યો

(વિનોદ ગાલા દ્વારા )ભુજ : કચ્છમાં મેઘરાજા સંતાકૂકડી રમતાં હોઈ ભાદરવાના ભુસાકા જેમ  ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ છે. ગ્રામ્ય પંથકમાંથી મળતાં સમાચાર અનુસાર ખાસ કરીને રાપર અને નખત્રાણા પંથકમાં ધોધમાર વરસાદ છે. જ્યારે અન્ય તાલુકાઓમાં ક્યાંક ઝરમર ઝરમર ક્યાંક ઝાપટાં સાથે ધોધમાર વરસાદ છે.  રાપર શહેર અને આસપાસના વિસ્તારોમાં ત્રણેક ઈંચ વરસાદ છે.

તો, બેલા ગામ સાત ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. તો, મૌવાણા ગામે પાંચ ઇંચ વરસાદ છે. જ્યારે અન્યત્ર નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદના સમાચાર છે. જોકે, તે સિવાય પણ કચ્છ જિલ્લામાં ભાદરવાનો વરસાદી માહોલ છે.  રાપર તાલુકા માં ભારે વરસાદ વચ્ચે ત્રણેક જગ્યાએ વીજળી પડતાં વીજ ઉપકરણો ને વ્યાપક નુકસાન થયું છે.

રાપર તાલુકા ના નીલપર ગામે પરબત ભાઈ બલાત ના ઘર ની દીવાલ ઉપર વીજળી પડતાં મોટુ બાકોરું રૂમ માં પડી ગયું હતું. તેમ જ ઘર માલિક અને આજુબાજુ ના રહેવાસીઓ ના વીજ ઉપકરણો ને પહોંચ્યું વ્યાપક નુકસાન થયું હતું. રાપરના બેલા ગામે બે જગ્યાએ મંદિર ઉપર જ વીજળી પડી હતી. વાઘેશ્વરી માતાજી ની છત ઉપર વીજળી પડતાં છત માં તિરાડો પડી છે. તેમ જ ભોજવાડું મંદિર ના શિખર ઉપર વીજળી પડતાં શિખર ને મોટુ નુકસાન થયું છે. તો, ચાર ઈંચ જેટલા ધોધમાર વરસાદ બાદ નખત્રાણા પાણી પાણી થઇ ગયું છે.

ભુજ-નખત્રાણા-લખપત રાજય ધોરીમાર્ગ પર ટાફ્રિક ખોરવાયો હતો. નગરની અંદરથી પસાર થતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. નખત્રાણા તાલુકાના ગામડાઓ ઉખેડા, કોટડા, કાદિયા, રસલિયા ટોડીયા મથલ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ છે. જ્યારે અંજાર, ભુજ, મુન્દ્રા, માંડવી સહિતના અન્ય તાલુકાઓમાં પણ બપોર બાદ ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે.

(3:26 pm IST)