Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

વિસાવદરમાં ચેકિંગ દરમિયાન વીજ ટુકડી પર લાકડી વડે હૂમલો

ગેરકાયદે વીજ જોડાણના ફોટા પાડતા ફરજમાં રૂકાવટ કરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૪ : વિસાવદરમાં વીજ ચેકીંગ દરમિયાન વીજ ટુકડી પર બે શખ્‍સોએ લાકડી વડે હુમલો કરવા ઉપરાંત ગેરકાયદે વીજ જોડાણના ફોટા પાડવા ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જૂનાગઢ પીજીવીસીએલના લાઇનમેન અરૂણભાઇ કિશનભાઇ વાઘેલા વગેરે ગઇકાલે વિસાવદરના જીવાપરા વિસ્‍તારમાં ચેકીંગ કરવા ગયા હતા.

ત્‍યારે એક મોટા મકાનમાં વીજપોલ પરથી ગેરકાયદે વીજ જોડાણ જોવા મળતા વીજ કર્મી તેના ફોટા પાડતા હતા.

આથી એક લાલ શર્ટવાળો અને સફેદ શર્ટવાળા શખ્‍સે ફોટા કેમ પાડો છો તેમ કહી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ લાલ શર્ટવાળા ઇસમે અરૂણ વાઘેલાને લાકડી વડે ઇજા કરી હતી.

આ અંગે વીજ કર્મી અરૂણભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે બંને શખ્‍સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)