Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ધોરાજી પોલીસની કનડગતના વિરોધમાં ઝાંઝમેર સ્‍વયંભૂ બંધ : અંતે સમાધાન થયુ

જેતપુરના ડીવાયએસપી અને પીઆઇ ઝાંઝમેર દોડીને ગ્રામજનોને આપી ખાતરી

ધોરાજી,તા.૨૪ : ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે છેલ્લા એક અઠવાડિયાથી નબળા  તેમજ મધ્‍યમ વર્ગના લોકોના વાહનો  ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેન કરીને ખોટી રીતે કરાતી  કનડગત બાબતે  સરપંચે ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત ફરવાનું નક્કી કર્યા બાદ ગઈકાલે ધારાસભ્‍યને લેખિત રજૂઆત કરી હતી . બીજી બાજુ  સરપંચ દ્વારા અપાયેલ ઝાંઝમેર બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી હતી અને સ્‍વયંભૂ બંધ પાળ્‍યો હતો. દરમિયાન   જેતપુરના ડી.વાય.એસ.પી ડોડીયા તેમજ ધોરાજી   પીઆઇ અનિરુદ્ધસિંહ ગોહિલ સવારે પહોંચી ગયા હતા અને સરપંચ સહિતના ગ્રામજનોને હવે પછી ખોટી કનડગત  પોલીસ દ્વારા નહીં કરાય તેવી ખાતરી આપવામાં આવી હતી.

આ સમયે  અનિરૂધ્‍ધસિંહ ગોહિલે જણાવેલ કે ઝાંઝમેર ગામ ખાતે વાહન ડીટેનની કાર્યવાહી કરેલી હતી જેમાં અમુક વાહનોના નંબર પ્‍લેટ અથવા તો લાઇસન્‍સ વગરની ગાડીઓ હતી તે બાબતે  કર્મચારીએ કાર્યવાહી કરી હતી પરંતુ ગ્રામજનોનો વિરોધ ઉઠતા અને જેતપુરના ડેપ્‍યુટી એસપી ડોડીયા આવતા ગ્રામજનો સાથે બેઠક કરી સુખદ સમાધાન કરેલું છે અને ગ્રામજનોએ બંધનું એલાન આપ્‍યું હતું તે સમાધાન થઈ જતા સંપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે

ઝાંઝમેર ગામના સરપંચ કિરણબેન બગડાએ જણાવેલ કે છેલ્લા ચાર-પાંચ દિવસથી પોલીસ ગરીબ પરિવારોને હેરાન કરતી હતી અને વાહનો ડીટેઇન જેવા ગુના દાખલ કરતી હતી બાદ ગ્રામજનોના સહયોગથી ઝાંઝમેર ગામ બંધનો એલાન આપતા જેતપુરના ડિ વાઇ એસ પી ઝાંઝમેર ગામ ખાતે દોડી આવતા અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ સમાધાન કરતા  આંદોલન પૂરું કરેલું છે હવે કોઈ અમારે વાંધો નથી તેવું જણાવેલું હતું. (તસ્‍વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

(1:34 pm IST)