Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

પાછતર ગામે વીજ અધિકારીઓને ગાળો ભાંડી

જામ ખંભાળિયા, તા. ૨૪ : ભાણવડ તાલુકાના પાછતર ગામે વીજ બિલની બાકી રકમની ઉઘરાણી કસવા ગયેલા પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા સ્‍ટાફને અટકાવી ગાળો કાઢી, ફરજમાં રૂકાવટ કરતા રબારી શખ્‍સ સામે ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા સંદીપકુમાર અંબાલાલ પટેલ (ઉ.વ. ૩૬) નામના અધિકારી પીજીવીસીએલની બિલની બાકી ઉઘરાણીની ફરજ પર હતા. ત્‍યારે પાછતર ગામના નાથાભાઈ રામાભાઈ મોરીની વાડીએ બિલની બાકી રકમની ઉઘરાણી માટે ગયા હતા. જ્‍યાં નાથાભાઈ મોરીએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. એટલું જ નહીં, તેમણે વીજ બિલ ભરવાની પણ ના ભણી દીધી હતી. જેથી ઉપસ્‍થિત અધિકારીએ ‘જો તમે આ બિલની ભરપાઈ નહિ કરો તો તમારું કનેક્‍શન કાપી નાખવામાં આવશે' તેમ કહેતા નાથાભાઈ ઉશ્‍કેરાઈને અધિકારી તથા ફરજ પરના સ્‍ટાફને બિભત્‍સ ગાળો કાઢી, આ સ્‍થળે રહેલો લોખંડનો પાવડો મારવા માટે ઉગામી અને ફરજમાં રૂકાવટ કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે વીજ અધિકારી સંદીપકુમાર પટેલની ફરિયાદ પરથી નાથાભાઈ રામાભાઈ મોરી સામે આઈ.પી.સી. કલમ ૧૮૬, ૫૦૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નંદાણાના યુવાનના ફોનની ચોરી

નંદાણા ગામે રહેતા દિનેશભાઈ નાનજીભાઈ કણજારીયાની માલિકીનો રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતનો રીયલમી કંપનીનો મોબાઇલ ફોન ગત તારીખ ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ ચોરી થયાની ફરિયાદ ગુરુવારે રાત્ર કલ્‍યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.

કલ્‍યાણપુર તાલુકામાં જુગાર

પટેલકા ગામે સ્‍થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, તીનપત્તી નામનો જુગાર રમી રહેલા માલદે ભીખા ચાવડા, કરસન રાજા ચાવડા, ખીમા કારા વાઘેલા, કરસન ધના ચાવડા અને હરેશ વેજાભાઈ ચાવડા નામના પાંચ શખ્‍સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૨,૪૩૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.

દ્વારકાનો યુવાન છરી સાથે ઝડપાયો

ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામના વિજયનગર પાટીયા ખાતે રહેતા દિલુભા મનુભા ચુડાસમા નામના ૫૫ વર્ષના ગરાસીયા આધેડને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૧૫,૦૦૦ ની કિંમતના ડિસ્‍કવર મોટરસાયકલ પરથી જ્‍યારે અહીંના ગોવિંદ તળાવ વિસ્‍તારમાં રહેતા અશ્વિન વલ્લભભાઈ વાઢેર નામના ૨૧ વર્ષના યુવાનને પોલીસે પોરબંદર રોડ ઉપરથી કેફી પીધેલી હાલતમાં રૂપિયા ૨૫,૦૦૦ની કિંમત એક્‍ટિવા મોટરસાયકલ પરથી ઝડપી લીધો હતો. મીઠાપુર પોલીસે વરવાળા ગામના મુકેશ નઘુભાઈ વિકમા નામના ૨૧ વર્ષના શખ્‍સને મોડી રાત્રીના સમયે  ભીમરાણાના પુલ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ડિસ્‍કવર મોટરસાયકલ પરથી ઝડપી લીધો હતો.

દ્વારકામાં ખારા તળાવ વિસ્‍તારમાં રહેતા ડાડુભા ડેપાભાઈ માણેક નામના ૩૩ વર્ષના શખ્‍સને પોલીસે નરસંગ ટેકરી વિસ્‍તારમાંથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી હતી.

(1:47 pm IST)