Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ૬૦માં જન્મદિન પ્રસંગે અદાણી પરિવારનો સમાજસેવા માટે રુ.૬૦ હજાર કરોડના દાનનો સંકલ્પ

ગૌતમભાઈ અને પ્રીતિબેને મુન્દ્રાની શાળામાં બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો, વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ કરી પ્રશંસા, દાનની રકમ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં વપરાશે

જન્મદિવસે મુન્દ્રામાં અદાણી વિદ્યામંદિરમાં શાળાના બાળકો વચ્ચે ગૌતમભાઈ અદાણી નજરે પડે છે.(તસ્વીર : વિનોદ ગાલા-ભુજ)

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પિતા શ્રી શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દીના વર્ષ અને ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિવસની ઉજવણીની બેવડી ખુશીમાં શતાયુ ભવની શુભેચ્છાઓની અવિરત ભરમાર વચ્ચે અદાણી પરિવારે દેશની તાતી જરુરિયાત એવા સામાજીક ક્ષેત્રો માટે રૂ. ૬૦ હજાર કરોડની માતબર સખાવતનો સંકલ્પ કર્યો હોવાની ધોષ્ણા કરી છે. સખાવતની આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. ભારતની વિરાટ જનસંખ્યાના કલ્યાણકારી ફાયદાઓની શક્યતાઓનો ઉપયોગ કરવા માટે ખાસ કરીને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલી આવશ્યકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયનો તકાજો છે. આ દરેક ક્ષેત્રોમાં રહેલી ઉણપો 'આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પામવામાં આવશ્યક છે. આ તમામ ક્ષેત્રોમાં સંકલિત વિકાસ માટેના ઠોસ પ્રયાસો સાથે લક્ષિત સમુદાયો સાથે ફળદાયી કામ કરવાના સમૃધ્ધ અનુભવનું ભાથું અદાણી ફાઉન્ડેશન ધરાવે છે. આ પડકારોને યોગ્ય સંસાધનોથી પહોંચી વળવાથી આપણા ભાવિ કાર્યબળની ક્ષમતા અને સ્પર્ધાત્મકતાના પાસાઓમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે મારી પ્રેરણાના મજબૂત સ્રોત એવા મારા પિતાજીની ૧૦૦મી જન્મ જયંતિ હોવા ઉપરાંત આ વર્ષ મારા ૬૦મા જન્મદિવસનું પણ વર્ષ હોવાથી પરિવારે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે ૬૦ હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય ક્ષેત્રોને લગતા કાર્યક્રમોને અત્યંત મૂળભૂત સ્તરે સર્વગ્રાહી રીતે જોવા જોઇએ અને તેઓ ભેગા મળીને સમાન અને ભાવિ સજ્જ ભારતનું નિર્માણ કરવા માટે ચાલકોની રચના કરે છે. મહાકાય યોજનાઓ તેના પ્લાનિંગ અને કાર્યરત કરવાના અમારા અનુભવ અને અદાણી ફાઉન્ડેશને સમાજ કલ્યાણના કરેલા કામમાંથી શીખ લેવાથી આ કાર્યક્રમોને અનન્ય રીતે વેગ આપવામાં અમોને મદદ મળશે" અદાણી પરિવારનું આ યોગદાન એવા કેટલાક તેજસ્વી બુધ્ધિશાળીઓને આકર્ષવાનો ઇરાદો ધરાવે છે કે જેઓ અમારી "ગ્રોથ વિથ ગુડનેસ"ની ફિલસૂફીને પરિપૂર્ણ કરવા માટે અદાણી ફાઉન્ડેશનની યાત્રામાં પરિવર્તન લાવવાનો જુસ્સો ધરાવે છે," આ પ્રસંગે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન અને વિપ્રો લિમિટેડના સ્થાપક અધ્યક્ષ  તેમજ વર્તમાન સમયના મહાન પરોપકારી શ્રી અઝીમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, “ગૌતમ અદાણી અને તેમના પરિવારની પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતાએ એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે કે આપણે બધા મહાત્મા ગાંધીના સંપત્તિના ટ્રસ્ટી શીપના સિદ્ધાંતને વ્યવસાયિક સફળતાની ટોચ પર રહીને જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને તે માટે આપણે આપણા સૂર્યાસ્તના વર્ષોની રાહ જોવાની જરૂર નથી. "તેમણે વધુમાં ઉમેર્યું કે "આપણા દેશના પડકારો અને શક્યતાઓની માંગ છે કે આપણે સંપત્તિ, પ્રદેશ, ધર્મ, જાતિ અને વિશેષ એવા તમામ વિભાજનને અવગણીને આપણે ભેગા મળીને એક તરીકે કામ કરીએ. હું આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રયાસમાં ગૌતમ અદાણી અને તેમના ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

                 

 

(10:16 am IST)