Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બરવાળા ના રોજીદ ગામે દેશી દારૂ પીધા બાદ લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં 8 મોતની આશંકા , મૃત્યુઆંક વધવાની ભીતિ :અસરગ્રસ્તોને ધંધુકા ,ભાવનગર, બોટાદ અને અમદાવાદ ખસેડાયા

ભાવનગર: બરવાળા પાસેના રોજીદ અને આકરૂ ગામે કેટલાક શ્રમિકોએ દેશી દારૂ પીધા બાદ ઝેરી અસર થતાં હોસ્પિટલ ખસેડેલ છે. લઠ્ઠાકાંડ જેવા આ બનાવમાં આઠ જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે. અને કેટલાક અસરગ્રસ્તોને ધંધુકા-બરવાળા અમદાવાદ ભાવનગર અને બોટાદ હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ અને આકરૂ ગામે દેશી દારૂ પી લેતા આઠ જેટલા વ્યક્તિને લઠ્ઠાકાંડ જેવી અસર થતા ગંભીર હાલતે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને લઈને પોલીસ તથા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
બોટાદના રોજીદ ગામે દેશી દારૂ પી લેતા આઠેક વ્યક્તિઓ બેભાન જેવા થઈ જતા લઠ્ઠાકાંડની દહેશત સાથે તેઓને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ કરાતા ભાવનગરથી પોલીસ તથા તબીબોની ટીમ બોટાદ જવા રવાના થઈ હતી.
આ બનાવમાં મૃત્યુઆંક મોટો હોવાની  દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ભાવનગરથી રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, બોટાદના એસ.પી. ,ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
ધંધૂકાના ઉંચડી ગામના સરપંચ અરવિંદભાઈ કોશિયા ના જણાવ્યા પ્રમાણે આ ગામના જયંતિભાઇ રામજીભાઇ ચેખલિયાઉં.વ. 45 અને ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ઉં.વ.50 માં મોત નિત્યા છે જ્યારે ચંદુભાઈ ચીખલીયા  સારવારમાં છે.
આકરુ ગામ ના સરપંચ ના જણાવ્યા મુજબ કિશનભાઇ માવજીભાઈ ચાવડા ઉં.વ.40 અને તેના ભાઈ કુચિભાઈ માવજીભાઈ ચાવડા ઉં.વ.50 દિનેશભાઈ વરગમા ને ઝેરી દારૂ ની અસર થઈ છે જેમાં નરેશભાઈ અને શાંતિભાઈ ના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે રોજીદ ગામે નરેશ શાંતિભાઈ પરમાર ઉં.વ.25 અને શાંતિભાઈ તળશીભાઇ પરમાર ઉં.વ.50 ના મોત નીપજ્યા છે અને દિનેશભાઈ વરગામા સારવારમાં છે.
આ ઉપરાંત અનીયારી ગામે, ખડવાર ગામે ,દેવગાણા ગામે અને સુંદરિયાણા ગામ ના કેટલાક લોકોને ઝેરી દારૂ ની અસર થતાં કેટલાક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ  છે.
અસર પામેલા 9  દર્દીઓને ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં રાત્રે સારવાર માટે લાવવામાં આવેલ છે. જ્યારે અન્ય કેટલાક દર્દીઓને ધંધુકા ની હોસ્પિટલ બરવાળા ની હોસ્પિટલ અને કેટલાકને અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે

(10:57 pm IST)