Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોરબી પ્રાથમિક સુવિધાના પ્રશ્ને વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી.

નવલખી રોડ વિસ્તારની મહિલાઓની કલેકટરને રજૂઆત : સાત વર્ષથી રોડ, પાણી, લાઈટ, ગટરની સુવિધા જ ન હોવાથી ભારે મુશ્કેલી

 મોરબીના નવલખી રોડ ઉપર છેવાડે આવેલા વિસ્તારોમાં સાત વર્ષથી રોડ, પાણી, લાઈટ, ગટરની સુવિધા જ ન હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જો કે અગાઉ આ પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકા અને ગ્રામ પંચાયતમાં અનેક રજુઆત કરવા છતાં આ બન્ને તંત્ર ચલક ચલાણું રમી જવાબદારીમાંથી ઉલાળીયો કરી દેતા રોષે ભરાયેલા સ્થાનિકો કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને કલેક્ટરને રજુઆત કરી સુવિધા ન મળે તો વિધાનસભાની ચૂંટણીનો બેહિષ્કાર અને આંદોલનની ચીમકી આપી છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર, શ્રદ્ધા પાર્ક, યમુનાનગર સહિતના વિસ્તારોના રહીશોએ આજે કલેક્ટરને રજુઆત કરી હતી કે, તેમના આ વિસ્તારમાં રોડ, ગટર, લાઈટ, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાના છેલ્લા સાત વર્ષથી કોઈ ઠેકાણા જ નથી. આ પ્રાથમિક સુવિધા વગર સ્થાનિકોનું જીવવું હરામ થઈ ગયું છે. ભારતના બંધારણ મુજબ સ્થાનિકો મૂળભૂત સુવિધાના હક્કથી વંચિત હોવા છતાં નથી મોરબી નગરપાલિકા ધ્યાન આપતું કે નથી અમરેલી ગ્રામ પંચાયત ધ્યાન આપતું. નગરપાલિકાને રજુઆત કરીએ તો પાલિકાવાળા કહે છે કે તમારા વિસ્તારો ગ્રામ પંચાયતમાં આવે છે. આથી અમરેલી ગ્રામ પંચાયતમાં રજુઆત કરીએ તો કહે છે કે, તમારા વિસ્તારોનો વેરો પાલિકા ઉઘરાવે તો સુવિધા આપવાની જવાબદારી પાલિકાની છે. આમ નગરપાલિકા અને પંચાયત ફૂટબોલની જેમ જવાબદારીની ફેંકાફેંકી કરે છે. તેથી હવે ધીરજ ખૂટી હોય એક અઠવાડિયામાં સુવિધા ન મળે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બેહિષ્કાર કરવાની અને ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

(11:18 pm IST)