Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

દિલ્હીના મુખ્યમંત્રી ઓચિંતા પોરબંદરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા : દારૂના કારણે થયેલા મોત મામલે આપી પ્રતિક્રિયા

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આ રીતે દારૂ વેચાય છે તેની પાછળ રાજકીય ઓથ હોય શકે, રાજકીય રક્ષણ વિના આ શક્ય ન બની શકે : કેજરીવાલ

પોરબંદર તા. 25 :દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમનાથની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. પોરબંદર એરપોર્ટથી તેઓ સોમનાથ રવાના થયા છે. ત્યારે તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યારે આ રીતે દારૂ વેચાય છે. તેની પાછળ રાજકીય ઓથ હોય શકે.

પોરબંદર એરપોર્ટ પરથી સોમનાથ જતા પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ હતુ કે આવતી કાલે સોમનાથ મહાદેવના દર્શન કરીને રાજકોટ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે.

આ સાથે જ ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા ફ્રી રેવડી તેમજ શ્રીલંકાના નિવેદનો આપ્યા હતા, જેનો જવાબ આપતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે નેતાઓ ૩-૪ હજાર યુનિટ વીજળી મફત મળે છે. ત્યારે ભાજપના નેતાઓને કોઇ વાંધો નથી પરંતુ પ્રજાને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની અમે વાત કરીએ તો તેઓને મરચા લાગે છે.

ગુજરાતમાં આજે દારૂના કારણે થયેલા મોત મામલે પણ કેજરીવાલે પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યારે આ રીતે દારૂ વેચાય છે. તેની પાછળ રાજકીય ઓથ હોવાના આક્ષેપ કર્યા હતા અને રાજકીય રક્ષણ વિના આ શક્ય જ ન હોવાનું જણાવી આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ તેમ મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ હતું.

(12:09 am IST)