Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સૌરાષ્ટ્રના સાવજ પ્રેમથી સિંહની વસતિ સાથે તેના વિસ્તારમાં સતત વધારો

વિશ્વ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે સાસણ ખાતે કાર્યશાળામાં વિગતો આપતા નાયબ વન સંરક્ષક મોહન રામ

વિશ્વ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે સાસણ ગિર ખાતે સંયોજક કાર્યકર્તાઓ માટે યોજાયેલ કાર્યશાળામાં નાયબ વન સંરક્ષક મોહન રામ દ્વારા વિગતો આપતા જણાવ્યું કે, ગિર સાથે સૌરાષ્ટ્રના સાવજ પ્રેમથી સિંહની વસતિ સાથે તેના વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં સિંહ પ્રાણીની સ્થિતિ તથા તેના વિકાસ બાબતમાં ગિરના સિંહ માટે ગૌરવરૂપ ઉલ્લેખ કરી આ પંથક સહિત પૂરા સૌરાષ્ટ્રના લોકોના સાવજ પ્રત્યેના પ્રેમના કારણે સિંહની વસતિમાં વધારો થઈ રહ્યો છે, સાથે સાથે તેના વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે.

ગિરના સિંહ પ્રત્યે ભારે ખેવના રાખનાર અધિકારી મોહન રામે આ કાર્યશાળામાં આપેલ વિગતો મુજબ વર્ષ ૧૯૯૦ દરમિયાન ૨૮૪ સિંહ નોંધાયેલ, જેમાં વધારો થઈ વર્ષ ૨૦૨૦ દરમિયાન ૬૭૪ નોંધાયેલ છે. તેઓએ આ માટે શિક્ષણ પ્રક્રિયા સાથે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા જાગૃતિ વધ્યાનો રાજીપો વ્યક્ત કર્યો.

આગામી ૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, જે ઉજવણી એક બાદ એક વિક્રમો સર્જી રહેલ છે, જેના આગામી આયોજનમાં સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓમાં વન વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની મુખ્ય જવાબદારી સાથે વહીવટી તંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ફરી વિશ્વ વિક્રમ સર્જવા માટે આંકડાકીય વિગતો તેમજ સાહિત્ય આયોજન સાથે કેટલીક તકેદારી વ્યવસ્થા સંબંધી માર્ગદર્શન રજૂ થયેલ.

રવિવારે વન વિભાગ દ્વારા સિંહ સદન સાસણ ગિર ખાતે યોજાયેલ આ કાર્યશાળામાં ભાવનગરના શિક્ષણ વિભાગના અધિકારી  હિરેન ભટ્ટ, ગિર સોમનાથના અધિકારી વાજા સાથે મહાનુભાવો દ્વારા વિવિધ ચર્ચા વાતો થઈ હતી.

અહીંયા વન વિભાગના અધિકારી  ટિલાળા, અમરેલીના દક્ષાબેન પાઠક, જૂનાગઢના કંચનબેન ભૂત, અપર્ણા સારથી સહિત શિક્ષણ અને વન વિભાગ સાથે જોડાયેલા અગ્રણીઓ જોડાયા હતા. આભાર વિધિ કપિલ ભાટિયાએ કરી હતી.

(12:35 am IST)