Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગીરના જંગલ વિસ્‍તારમાં ખેડૂતોની વીજ માંગણીના પ્રશ્‍ને ન્‍યાયીક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૨૬: જંગલ વિસ્‍તારમાં આવેલ સેટલમેન્‍ટની જગ્‍યામાં છેલ્લા આશરે ૨૦ વર્ષથી લાઇટ કનેક્‍શન મેળવવા પરેશાન થતા ઝાખિયા ગીરના ખેડૂતોને મળશે વિજળી આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો વતી ચાલતી ન્‍યાયીક લડતમાં કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

સમગ્ર કેસ વિગતવાર જોઇએ તો ગીરના જંગલ વિસ્‍તારમાં અસંખ્‍યા નાના નાના ખેડૂતો જે ખેતી કરે તે પાકની આવક પર જ તેનું જીવન નિર્ભર હોય છે ખેડૂત આ જમીનનું વેચાણ કે કુલમુખત્‍યાર નિમિને અન્‍ય કોઇ કામગીરી કરી શકતા નથી. આવી ખેતીની જમીન પર ખેતીવાડીનું વીજ કનેક્‍શન મેળવવા માટે ગીરનાર ઝાંખિયા ગામના રાણાભાઇ જાદવ સહિત નવ નાના ખેડૂતોએ વીજ કચેરી ખાતે આશરે વીસ વર્ષ જેટલા સમયગાળાથી લાઇટ કનેક્‍શન મેળવવા અરજી આપેલ અન્‍ય ખેડૂતોને જો વીજ કનેક્‍શન જોઇતુ હોય તો વીજ કચેરી દ્વારા તેનો મામૂલી નિયત ચાજ વસૂલી કનેક્‍શન ફાળવવામાં આવે છે.

પરંતુ જાખિયા ગામના અરજદાર ખેડૂતોએ છેક ૨૦ વર્ષ જેટલા લાંબા સમયથી  વીજ જોડાણ માટે અરજી કરેલ તે કનેક્‍શન મેળવવા માટે વીજ કંપની દ્વારા ખેડૂતો પાસે એફ.પી. ચાર્જના નામે તેમના ખેતર સુધી કનેક્‍શન પહોંચાડવાનો ખર્ચ ભરવાની માંગણી કરવામાં આવતી હતી. અને આ રકમ એક ખેડૂત દીઠ આશરે એકાદ લાખ જેટલી થતી હતી. અને આ રકમ કોઇ પણ નાનો ખેડૂત ભરવા સક્ષમ ન હતો આથી અંથે થાકીને લાચાર ખેડૂતોએ રાજકોટના એડવોકેટ કે.સી.વ્‍યાસનો સંપર્ક કરતા કે.સી.વ્‍યાસે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ નબીલ બ્‍લોચ સાથે મળી ખેડૂતો વતી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલ.

આ પિટિશન ચાલી જતા વકીલે પોતાની  દલીલમાં જણાવ્‍યુ કે અગાઉ પણ વીજ કંપનીએ આ મુજબના સેટલમેન્‍ટના ખેડૂતોને વીજ જોડાણ ફાળવેલ જ છે એમ એ ધારા ધોરણ મુજબ નિયત રકમ ચુકવવા તૈયાર જ છીએ આથી નામદાર હાઇકોર્ટે અરજદાર ખેડૂતોની માંગણીને વ્‍યાજબી ઠેરવી વીજ કંપનીને ધારાધોરણ અનુસાર ખેડૂતોને વીજ કનેક્‍શન ફાળવવા તેમજ વન વિભાગને પણ જરૂરી ન્‍યાયીક પૂર્ણ કરવા આદેશ આપેલ છે. આ કેસમાં ખેડૂતો વતી હાઇકોર્ટના એડવોકેટ નબીલ બ્‍લોચ તેમજ રાજકોટના એડવોકેટ કે.સી.વ્‍યાસ રોકાયા હતા. (૨૨.૯)

કે.સી.વ્‍યાસ

એડવોકેટ

નબીલ બ્‍લોચ

એડવોકેટ

(10:18 am IST)