Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ઉનાકાંડના ચાર આરોપીઓને છ વર્ષ પછી મળ્‍યા જામીન

દેશભરમાં ચકચાર મચાવનારા ઉના દલિત અત્‍યાચાર - એટ્રોસિટી કેસમાં ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્‍યા : હાઇકોર્ટે ટ્રાયલને ઝડપી કરવાની ટકોર પણ કરી : કાયદા વિભાગને નોટીસ આપી : ચાર્જશીટમાં કુલ ૪૧ લોકો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો : આ ઘટના વર્ષ ૨૦૧૬માં બની હતી

નવી દિલ્‍હી તા. ૨૬ : માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં ખળભળાટ મચાવનારા ઉના દલિત અત્‍યાચાર કેસમાં ગુજરાત હાઈકોર્ટે સોમવારના રોજ ચાર આરોપીઓને જામીન પાઠવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ પાછલા છ વર્ષથી જેલની સજા કાપી રહ્યાછે. આ સિવાય હાઈકોર્ટે રાજયના કાયદા વિભાગને નોટિસ ફટકારી છે અને સ્‍પેશિયલ કોર્ટમાં આટલી ધીમી ગતિથી ચાલતા ટ્રાયલ બાબતે જવાબ પણ માંગ્‍યો છે.
જસ્‍ટિસ નિખિલ કેરિયલના ચુકાદા અનુસાર, રમેશ જાદવ, પ્રમોદગિરિ ગોસ્‍વામી, બળવંતગિરી ગોસ્‍વામી અને રાકેશ જોશીને જામીન પાઠવવામાં આવ્‍યા છે. કોર્ટ તરફથી શરત મૂકવામાં આવી છે કે જયાં સુધી આ ઘટનાના પીડિતો અને ફરિયાદી કોર્ટ સમક્ષ હાજર ના થાય ત્‍યાં સુધી આરોપીઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં જામીન પ્રાપ્ત કરનારા ચાર આરોપીઓ અને નાગજીભાઈ વાણિયા નામના એક વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. નાગજીભાઈ વાણિયાને વર્ષ ૨૦૨૦માં જામીન મળ્‍યા હતા.
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવતી વખતે ધ્‍યાનમાં રાખ્‍યું છે આ તમામ આરોપીઓ પાછલા છ વર્ષથી જેલની સજા કાપી રહ્યા છે. તેમના વિરૂદ્ધ જે ગુના નોંધવામાં આવ્‍યા છે તેમાં મહત્તમ ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. અડધા કરતા વધારે સજા તેમણે ભોગવી લીધી છે. નાગજીભાઈ વાણિયાના ચુકાદાની એકરુપતાની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે નોંધ્‍યું કે, ચાર્જશીટમાં આરોપી તરીકે કુલ ૪૧ લોકોના નામ દાખલ કરવામાં આવ્‍યા હતા. તમામ આરોપીઓને જામીન મળી ગયા છે. આરોપીઓના વકીલની દલીલ હતી કે ટ્રાયલની અત્‍યારે જ શરુઆત થઈ છે અને તેમાં લાંબો સમય લાગી શકે છે. માટે આરોપીઓને જામીન મળવા જોઈએ.
નોંધનીય છે કે પીડિત પક્ષના એડવોકેટ તરફથી જામીનનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. વકીલની દલીલ હતી કે, પીડિતોને ગૌહત્‍યાની શંકા હેઠળ માર મારવામાં આવ્‍યો હતો અને તેમના પર અત્‍યાચાર કરવામાં આવ્‍યો હતો. તેમને વાહન સાથે બાંધવામાં આવ્‍યા હતા અને લાકડીથી મારવામાં આવ્‍યા હતા. નોંધનીય છે કે આ વીડિયો વાયરલ થતાં દેશભરમાં વિરોધ થયો હતો.

 

(10:52 am IST)