Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ભાવનગરમાં ‘હર ઘર તિરંગા' કાર્યક્રમની તડામાર તૈયારી

ત્રણ દીવસ સમગ્ર ભાવનગર દેશભક્‍તિના રંગે રંગાશે : વિવિધ કાર્યક્રમોનું આયોજન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫ : દરેક નાગરિકોમાં રાષ્‍ટ્રધ્‍વજ પ્રત્‍યે સન્‍માન ભાવ ઉજાગર થાય તેવા આશયથી દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દરમિયાન ‘હર ઘર તિરંગા' કાર્યક્રમની રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણી થનાર છે, ત્‍યારે રાજ્‍યમાં ‘હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત ૧ કરોડથી વધુ ઘરો ઉપર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવવાના નિર્ધાર સાથે વ્‍યાપક આયોજન થઇ રહ્યું છે.

ભાવનગરમાં આ ત્રિ-દિવસીય કાર્યક્રમ સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણી દ્વારા સાંસદ - ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિમાં સામાજિક અગ્રણીઓ, સામાજિક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના વડાઓ તેમજ વિવિધ પદાધિકારીઓ- અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ બેઠકમાં જણાવ્‍યું કે,  દરેક નાગરિકોમાં ‘નેશન ફર્સ્‍ટ'નો ભાવ પ્રગટ થાય તેનું પ્રથમ પગથિયું રાષ્‍ટ્રધ્‍વજ પ્રત્‍યેનું સન્‍માન છે. દેશ જ્‍યારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્‍યારે રાષ્‍ટ્રના સન્‍માનના પ્રતિક એવાં તિરંગા પ્રત્‍યે સન્‍માનનો ભાવ કેળવવાનો આ અદકેરો અવસર છે.

દરેક ઘર સુધી રાષ્‍ટ્રધ્‍વજ પહોંચે તે માટે રાજ્‍ય સરકારે સુપેરે આયોજન કર્યુ છે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રાષ્‍ટ્રધ્‍વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્‍યભરમાં જનજાગળતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્‍યારે છેવાડાનો માનવી પણ આ કાર્યક્રમમાં જોડાય અને રાષ્‍ટ્રધ્‍વજ પોતાના ઘર, બિલ્‍ડિંગ અને ઓફિસમાં લગાવે એવી ભાવના વ્‍યક્‍ત કરી હતી. મંત્રીએ  બેઠકમાં પદાધિકારી- અધિકારી તેમજ સૌ આગેવાનોને આ માટે જરૂરી વ્‍યવસ્‍થા માટે માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

ભાવનગર જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઔદ્યોગિક સ્‍થળો, વેપારી ગળહો, સરકારી - ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ, આંગણવાડીઓ, સહકારી સંસ્‍થાઓ સહિત તમામ સાર્વજનિક સ્‍થળો પર તા.૧૩ ઓગસ્‍ટના રોજ સવારે તિરંગો ફરકાવવામાં આવશે. જે તા.૧૫ ઓગસ્‍ટે સાંજે માનભેર ઉતારવામાં આવશે.

રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થાય નહિ તેની ખાસ તકેદારી સ્‍વરૂપે કોઈપણ વ્‍યક્‍તિ પ્‍લાસ્‍ટીક કે કાગળના તિરંગા ફરકાવે નહી, ખાદી અથવા કાપડના જ તિરંગા ફરજિયાત ફરકાવવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવામાં આવશે. ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી શકાશે.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ પદાધિકારી - અધિકારી તેમજ વિવિધ સંસ્‍થાના આગેવાનો પાસેથી જરૂરી સૂચનો મેળવ્‍યા હતાં અને તેના અમલ માટે જરૂરી તૈયારી બતાવી હતી. રાષ્‍ટ્રધ્‍વજના વેચાણ અને વિતરણ માટે ભાવનગરમાં દરેક વોર્ડમાં સ્‍ટોલ, બસ સ્‍ટેન્‍ડ પર સ્‍ટોલ ઉપરાંત ખાદી ગ્રામોધ્‍યોગ પરથી પણ સરળતાથી ઉપલબ્‍ધ થઈ શકે તેવી વ્‍યવસ્‍થા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.  

આ તકે કલેકટર યોગેશ નિરગુડેએ તા. ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન થનારા કાર્યક્રમો જેવા કે, પ્રભાત ફેરી, દેશ ભક્‍તિના કાર્યક્રમો, નિબંધ સ્‍પર્ધા, વકળત્‍વ સ્‍પર્ધા તેમજ વિવિધ સ્‍થળો એ દેશ ભક્‍તિના ચિત્રો દોરીને ઉજવણી કરવામાં આવનાર હોઈ તે અંગે ઉપસ્‍થિત પદાધિકારીઓને માહિતગાર કર્યાં હતાં.

આ ઉપરાંત  જિલ્લાના સમગ્ર ગ્રામ્‍ય/નગરપાલિકા વિસ્‍તારમાં તિરંગા ફરકાવવાના ભાગરૂપે સુચારુ આયોજનનાં ભાગરૂપે વહીવટીતંત્રની તૈયારી અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં ભાવનગરનાં મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્‍યુટી મેયર કળણાલભાઈ (કુમારભાઈ) શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટીનાં ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, એ.એસ.પી.  સફીન હસન, નિવાસી અધિક કલેક્‍ટર બી.જે. પટેલ, ભા.જ.પા. શાસકપક્ષનાં નેતા બુધાભાઈ ગોહેલ, શહેર ભા.જ.પ. પ્રમુખ રાજીવભાઈ પંડયા તથા જિલ્લાના વરિષ્ઠ પદાધિકારી-અધિકારી તેમજ વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(11:09 am IST)