Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

આચાર્ય સામે અનેક આક્ષેપો અને બદલી ન થાય ત્‍યાં સુધી શિક્ષણ બહિષ્‍કાર : ચોટીલાની ગોલીડા પ્રાથમિક શાળાને ગ્રામજનોની તાળાબંધી

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૨૫: ચોટીલાનાં ગોલીડા ગામની પ્રાથમિક શાળામાં આજે ગ્રામજનોએ તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્‍કાર કરી અનેક આક્ષેપો સાથે આચાર્યની બદલીની માંગ કરતા ચકચાર મચેલ છે.
ગોલીડા ગામની પ્રાથમિક શાળામાં અનેક અસુવિધાઓ છે. જુના બિલ્‍ડીંગનાં અનેક ઓરડાઓ જર્જરીત છે. કમ્‍પાઉન્‍ડ વોલની દિવાલ પડી ગયેલ છે. શાળામાં ટોયલેટ યુરીનલ ની ખુબ જ ખરાબ હાલત છે જેના કારણે અનેક વખત વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાય છે.ચારે તરફ ઘાસ ઉગી ગયેલ છે જીવજંતુ અને જર્જરિત બાંધકામ પડવાનો સતત ભય સતાવે તેવી સ્‍થિતિ છે
સ્‍થાનિક લોકોએ આચાર્ય સામે અનેક આક્ષેપો કર્યા છે જેમા વર્તન અને સંચાલન યોગ્‍ય નથી, ગામલોકો અને વાલીઓ સાથે વ્‍યવહાર યોગ્‍ય નથી શાળા સમિતિને વિશ્વાસમાં લેવાતી નથી શાળામાં કોઇ વિકાસનાં કામો થયા નથી ગ્રાન્‍ટો પાછી જાય છે. વાલીઓ સાથે પણ ગેરવર્તન કરે છે. વિદ્યાર્થીઓ પાસે અન્‍ય કામો કરાવે છે. સ્‍ટાફમાં પણ નારાજગી છે. બાળકોનાં શિક્ષણ ઉપર ખરાબ અસર પડે છે.
અનેક વખત શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆતો કરાઇ છે છતા કોઇ પગલા લેવાતા નથી તેથી આજે સામુહિક રીતે ગામલોકોએ શાળાને તાળાબંધી કરી હતી આચાર્ય ની બદલી થાય પછી જ બાળકોને શાળાએ મોકલવાની જાહેરાત કરી શિક્ષણ બહિષ્‍કારનું આંદોલન છેડતા ચકચાર મચેલ છે.
આચાર્ય સાથે વાતચીત કરતા જણાવે છે કે તેઓ ૫ વર્ષ થી છે, સુરેન્‍દ્રનગર રહે છે. અપડાઉન કરે છે તેથી શાળાની ચાવી ગામનાં દુકાનદાર ને આપે છે જે ગામ લોકોએ આજે મને શાળા ખોલવા આપવા નથી દીધી મારા ઉપરીઓને જાણ મે કરી છે અને રીપોર્ટ પણ કરવાનો છું.

 

(11:32 am IST)