Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પોરબંદરમાં જેસીઆઈ અને બેંક ઓફ બરોડા દ્વારા સર્વરોગ નિદાન - રકતદાન કેમ્‍પ

(પરેશ પારેખ), પોરબંદરઃ સતત વરસાદથી કાદવ કીચડ અને ગંદકીના કારણે શહેરભરમાં રોગચાળો ફાટી નીકળવાની શરૂઆત થઈ છે, ત્‍યારે ગરીબ દર્દીઓને મદદરૂપ થવા જેસીઆઈ પોરબંદર અને બેંક ઓફ બરોડા દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ૪૫૦ જેટલા દર્દીઓને વિવિધ પ્રકારના દર્દોનું નિદાન, સારવાર અને જરૂરી દવાઓ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી.
આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં ફિજીશ્‍યન ડો. પર્યન્‍ત વાળા, હાડકાંના  ડો. જીતેન્‍દ્ર તાવરી,સ્ત્રી રોગના  ડો. પારસ મજીઠીયા, આંખના  ડો. નિખિલ રૂપારેલીયા, ચામડીના રોગના ડો. મોના પુરોહિત, કાન નાક ગળાના ડો. બિપિન મહિડા, દાંતના સર્જન ડો. મિત બાપોદરા, મનોચિકિત્‍સક ડો. નીરવ ચાનપા, બાળ રોગના ડો. માલદે ઓડેદરા, ફિજીયોથેરાપીસ્‍ટ ડો. ચારૂ મકવાણા વગેરે પોતાની સેવાઓ આપી હતી.
રકતદાન કેમ્‍પમાં જિલ્લા આરોગ્‍ય અધિકારી અને ભાવસિંહજી હોસ્‍પિટલનો પણ અમૂલ્‍ય સહયોગ પ્રાપ્‍ત થયો હતો. રક્‍તદાન કેમ્‍પમાં એકત્રિત થયેલ તમામ બ્‍લડ ભાવસિંહજી હોસ્‍પિટલમાં દર્દીઓ માટે આપવામાં આવ્‍યું હતું. સર્વરોગ નિદાન કેમ્‍પમાં ભાવસિંહજી હોસ્‍પિટલની ટિમ દ્વારા દરેક દર્દીઓને ડાયાબિટીસ અને બ્‍લડપ્રેશરના રિપોર્ટ પણ કરી આપવામાં આવ્‍યા હતા.
આ કેમ્‍પના ઉદ્‌ઘાટન પ્રસંગે ડો.સુરેશભાઈ ગાંધી, રામદેવભાઈ મોઢવાડીયા, પૂર્વ ઝોનપ્રમુખ બિરાજ કોટેચા, ઝોન ઉપપ્રમુખ હાર્દિક મોનાણી, ઝોન ડિરેકટર તેજસ બાપોદરા, બેંક ઓફ બરોડાના મેનેજર સર્વશ્રી રજનીશકુમાર દાસ, લલિતકુમાર નંદમેહર, પંકજ ગિરનારા અને મૈનક ગુપ્તા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
જેસીઆઈ પોરબંદરના સ્‍થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ રોનક દાસાણી, સેક્રેટરી પ્રિન્‍સ લાખાણી, પ્રોજેક્‍ટ ચેરમેન ભાવેશ તન્‍ના, હરેશ રાડીયા, સમીર ધોયડા, રાજેશ રામાણી, બેંક ઓફ બરોડાના જ્‍યંતભાઈ ધોળકિયા અને જેસીઆઈ પોરબંદર તથા બેન્‍ક ઓફ બરોડાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

 

(11:40 am IST)