Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વિધાનસભાની સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિ કચ્છના બે દિ' ના પ્રવાસે

પ્રથમ દિવસે ભુજની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલની મુલાકાતે : જુદા જુદા વિભાગોનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ પ્રથમ દિવસે જી.કે.જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોરે હોસ્પિટલમાં માં-કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ઉપરાંત ગરીબોને અપાતી રાજય સરકારની યોજના અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હોસ્પિટલમાં અપાતી રાજય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાકીય સહાય અંગે વિગતો મેળવવા આવેલી સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોરે વધુમાં કહયું કે, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફથી માંડીને તબીબોએ કોરોના જેવી મહામારીમાં કરેલી સારવાર અત્યંત સંતોષકારક રહી હતી. સમિતિના અન્ય સભ્યોએ ઈમર્જન્સી, રેડિયોલોજી સહિતના જુદા જુદા વિભાગની મુલાકાત લઇ હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થયા હતા.

હોસ્પિટલની મુલાકાતે આવનાર અન્ય સભ્યોમાં સમિતિના સભ્યો અને ધારાસભ્યો સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણા અને ભરતભાઇ પટેલનો સમાવેશ થાય છે.

સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર તેમજ અન્ય સભ્યોએ હોસ્પિટલમાં રોજેરોજની ઓ.પી.ડી., રેડિયોલોજી, કુપોષિત બાળકો, ટી.બી.ના દર્દીઓ અને હાલમાં કોરોનાની પરિસ્થિતિ અને હોસ્પિટલની સર્વાંગી કામગીરી અંગે જાણવા માંગેલી માહિતી સંદર્ભે જી.કે.જનરલના મેડિકલ ડાયરેકટર ડો.બાલાજી પિલ્લઇ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી તેમજ સિવિલ સર્જન ડો.કશ્યપ બુચે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ફુલમાલી, આર.સી.એચ.ઓ. ડો.ખત્રી, ડો.અમીન અરોરા સહિત રાજય અને જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રહયા હતા.

(1:08 pm IST)