Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ભાણવડ નજીક મોટરસાયકલ પર જતા વૃદ્ધને આંતરીને રૃ. બે લાખ ભરેલી થેલીની લૂંટ

બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ આરોપીઓ હાથવેંતમાં

(કૌશલ સવજાણી દ્વારા)જામ ખંભાળિયા, તા. ૨૬ : ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ ચુડાસમા નામના ૬૫ વર્ષના આહિર વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે આઠેક વાગ્યાના સમયે તેમના મોટરસાયકલ પર બેસી અને ચાંદવડ ગામે જઈ રહ્યા હતા.

વધુમાં વિગત મુજબ લખમણભાઈ ચુડાસમાએ પોતાની જમીનનો સોદો રદ કરતા તેના બદલામાં મળેલા રૃપિયા બે લાખની રોકડ રકમ લઈને તેઓ ભંડારીયા ગામે રહેતા તેમના સાઢુભાઈ દેવશીભાઈ નંદાણીયાની વાડીએથી લઈ અને મોટરસાયકલ પર બેસીને જતા હતા, ત્યારે માર્ગ આડે સુતારીયા ગામની ગોલાઈ પાસેના રોડ પર પહોંચતા લખમણભાઈ ચુડાસમાની મોટરસાયકલ આડે આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના બે શખ્સોએ તેમને આડે બાઇક નાખી અને અટકાવ્યા હતા.

વયોવૃદ્ધ એવા લખમણભાઈની વૃદ્ધાવસ્થાનો ગેરલાભ લઈ, બંને આરોપીઓએ તેમનો કાંઠલો પકડી અને નીચે પછાડી દઈ તેમને ઇજાઓ પહોંચાડી હતી, બાદમાં તેમણે મોટરસાયકલમાં રાખેલા રૃપિયા બે લાખની રોકડ રકમ ભરેલી થેલી લઈને નાસી છૂટયા હતા,

આ સમગ્ર બનાવો અંગે ભાણવડ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે આઈ,પી.સી. કલમ ૩૯૨, ૩૯૪, ૩૪૧, તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આ આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ શરીર પર રેઈનકોટ તથા માથા પર હેલ્મેટ પહેરીને ઢળતી સાંજે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા બે અજાણ્યા શખ્સો જાણભેદુ હોવાની આશંકા બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરતા આ પ્રકરણના આરોપીઓ હાથવેંતમાં હોવાનું તથા નજીકના ભવિષ્યમાં ઝડપાઈ જવાની શક્યતા હોવાનું પણ કહેવાય છે. આ બનાવે નાના એવા ચાંદવડ ગામમાં ભારે ચકચાર જગાવી છે

(1:36 pm IST)