Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પોરબંદરના હજુ કેટલાક વિસ્તારોમાં શૌચાલયો નથી : લોકોને જાહેરમાં શૌચક્રિયા માટે જવુ પડે છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ : ખારવાવાડ સહિત હજુ અનેક વિસ્તારોમાં શૌચાલયના અભાવે લોકોની સમસ્યા વધી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ પોરબંદર જીલ્લાને ૧૦૦ ટકા શૌચાલય મુકત શહેર જાહેર કર્યો હતો. પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં લોકોને જાહેરમાં શૌચક્રિયા માટે જવુ પડે છે. આ પ્રશ્ને પોરબંદર કોંગ્રેસે તંત્રને રજુઆત કરી છે.

કોંગ્રેસના આગેવાન  રામદેવભાઇ મોઢવાડિયા અને જીવનભાઇ જુંગીએ તંત્રને રજુઆતમાં જણાવ્યું છે કે ખારવાવાડના શહીદ ચોકના નવા પાડા વિસ્તારમાં પ૦ જેટલા પરિવારો વસવાટ કરે છે. પણ ત્યાં શૌચાલય કે મોબાઇલ ટોઇલેટની કોઇ વ્યવસ્થા નથી. મહિઓને દિવાલની આડમાં શૌચક્રિયા માટે જવુ પડે છે. આ સ્થળે પાણીનો ઓવરટેંક બનતા તે દીવાલ તોડી નાખવામાં આવી હોવાથી મહિલાઓને શૌચક્રિયા માટે જવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્રએ તાત્કાલિક ધોરણ અહી શૌચાલયની વ્યવસ્થા કરી આપવી જોઇએ.

ખારવાવાળ, જુની દીવાદાંડી વિસ્તાર, છાયાનો અનુસૂચિત જાતિનો વિસ્તાર, બીરલાના દંગામા, અસ્માવતી ઘાટ પાસેનો વિસ્તાર ગાયત્રી મંદિર પાસેનો ખાડી વિસ્તારના લોકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવુ પડે છે ત્યારે શૌચાલય કે મોબાઇલ ટોયલેટની કોઇ જ વ્યવસ્થા નથી.

અનેક વિસ્તારોમાં આવેલા શૌચાલયમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે વ્યવસ્થિત સાફ સફાઇ કરવામાં આવતી નથી. અમુક જગ્યાએ તો શૌચાલયમાં ઝાડી ઝાંખરા જોવા મળે છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(2:52 pm IST)