Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદ ખાતેના આઠ ગામમાં લઠ્ઠાકાંડમાં ૩૬નાં મોત, ૫૦થી વધુ સારવાર હેઠળ

રાજ્યને લઠ્ઠાકાંડે હચમચાવી દીધું : ઝેરી દારુકાંડમાં મોટા ભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યાનો પોલીસનો દાવો, કેમિકલ સપ્લાય કરનાર સહિતના આરોપીને ઝડપી લેવાયા

અમદાવાદ, તા.૨૬ : બોટાદ જિલ્લામાં ઝેરી દારુકાંડમાં અત્યારસુધીમાં ૩૬ લોકોનાં મોત થયા છે. આ ઝેરી દારુકાંડ ૮ ગામના ૩૨ લોકોને ભરખી ગયો છે. હજુ પણ ૫૧ અસરગ્રસ્તો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ૬ મૃત્યુ થયા છે. જ્યારે બોટાદમાં ૨૨ મૃત્યુ થયા છે. આ સિવાય અન્ય બે લોકોનાં મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આટલી મોટી સંખ્યામાં એક સાથે ૩૬ લોકોનાં મોત થયા બાદ ગામોમાં ઠેર ઠેર પરિવારના સભ્યોનું આંક્રદ જોવા મળી રહ્યું છે. સાથે જ ગામ પણ સ્મશાનભૂમિમાં ફેરવાયા હતા. મૃતકોની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે બાદ કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા. અંતિમક્રિયા દરમિયાન મહિલાઓ અને બાળકોના આક્રંદથી ગામના સીમાડાઓ પણ દ્રવી ઉઠ્યા હતા. બીજી તરફ, પોલીસે એવો દાવો કર્યો છે કે આ ઝેરી દારુકાંડમાં મોટા ભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના રોજિંદ, પોલારપુર, ભીમનાથ, ચદરવા, રાણપુર, દેવગના, રણપુરી, કોરડા ગામના ૩૨ લોકોને લઠ્ઠાકાંડનો કાળ ગળી ગયો છે. સમગ્ર ગુજરાતને હચમાવી દેનારી આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી છે. આરોપી જયેશ પીપળજના એક ગોડાઉનમાં સુપરવાઈઝર હોવાથી તેણે ધીરે ધીરે મિથાઈલ કેમિકલની ચોરી કરી હતી. આરોપી જયેશે ૬૦ હજાર આપીને આ કેમિકલની ચોરી કરી હતી. એમ આરોપી જયેશે ૬૦૦ લીટર કેમિકલ દારુ બનાવનારા લોકોને સપ્લાય કર્યું હતું. ત્યારે આ ઝેરી દારુકાંડમાં એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ જોતરાઈ છે.

પોલીસનો દાવો છે કે, છેલ્લાં ચોવીસ કલાકમાં મોટાભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ઝેરી દારુકાંડમાં અત્યારસુધીમાં ૩૨ લોકોનાં મોત થયા છે. એવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે હજુ પણ આ મૃત્યુઆંક વધી શકે છે. બીજી તરફ, ૫૧ અસરગ્રસ્તો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક સાથે પાંચ પાંચ મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી હતી. આ સમયે બાળકો અને મહિલાના આક્રંદથી ગામના સીમાડાઓ પણ દ્વવી ઉઠ્યા હતા. જે જે ગામોમાં લોકોનાં મોત થયા છે એ ગામ

સ્મશાનભૂમિમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા. આસપાસના તમામ વિસ્તારોમાં આ મોતની ઘટના બાદ માતમ છવાયેલો જોવા મળી રહ્યો છે.

જ્યારે મૃતકોની અંતિમયાત્રા નીકળી ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. મૃતકોની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. માત્ર મૃતકોના પરિવારજનો જ નહીં અન્ય લોકો પણ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દાવો કર્યો છે કે મોટાભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઝેરી દારુકાંડ બાદ બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૪ આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સિવાય અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં ૫ લોકોનાં મોત થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જો આ કેસમાં પણ ઝેરી દારુકાંડથી મૃત્યુ થયુ હોવાનું સામે આવશે તો પોલીસ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. ત્યારે આ ઝેરી દારુકાંડ મામલે પોલીસે મુખ્ય આરોપી સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

આ લઠ્ઠાકાંડ બાદ રાજ્યના પોલીસવડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ૨૪ જ કલાકમાં મોટાભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. મોટાભાગના આરોપીઓ બુટલેગર છે. જેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે આ કેસની તપાસમાં એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ છે.

(7:48 pm IST)