Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ : એસઆઇટીની ટીમ રોજીદ ગામ પહોંચ્યા

SITના સભ્યો, એસ.એમ.સીનાં એસપી નિર્લિપ્ત રોય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા

બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં  36 લોકોના મોત થયા છે. જેના પગલે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં SITના સભ્યો, એસ.એમ.સીનાં એસપી નિર્લિપ્ત રોય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા છે. એસઆઇટી દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઝડપથી સમગ્ર ઘટનાનો અહેવાલ સોંપવામાં આવશે.

આ દરમ્યાન આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં 10માંથી એક પણ રિપોર્ટમાં દારૂનું તત્વ મળ્યું નથી. તેમજ લોહીમાં સીધું જ મિથેનોલ જોવા મળ્યું છે. જેના પગલે એક થીયરી મુજબ પાણીમાં જ કેમિકલ ભેળવીને દારૂનું નામ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો છે. તેથી પોલીસ હવે તેને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ ગણાવી રહી છે

(8:40 pm IST)