Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોરબીમાં પશુઓમાં જોવા મળતા લમ્પી ડીસીઝ અંગે થયેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

રસીકરણ માટેની ટીમોનું સુચારૂ આયોજન કરી જ્યાં પશુધન વધુ હોય ત્યાં વધુ ટીમો ફાળવવા સૂચના આપી

મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં લમ્પી રોગ સંદર્ભે પશુપાલન વિભાગ દ્વારા થયેલી કામગીરી તેમજ હાલની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી ડિસીઝ જોવ મળી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ રોગના લક્ષણો પશુઓમાં જોવા મળ્યા છે ત્યારે પશુઓમાં થયેલ  રસીકરણ તેમજ સારવાર ઉપરાંત આ રોગને ફેલાતો અટકાવવા માટે લેવાના પગલા અંગેના મુદ્દાઓની સમીક્ષા બેઠકનું આયોજન શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો),ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીએ રોગ વિશેની પ્રાથમિક માહિતી તેમજ જિલ્લામાં તે હેઠળ થયેલી કામગીરી માહિતી મેળવી જણાવ્યું હતું કે, જ્યાં સમૂહમાં વધારે ગાયો છે તેવી જગ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવે. ઉપરાંત રસીકરણ માટેની ટીમોનું સુચારૂ આયોજન કરી જ્યાં પશુધન વધુ હોય ત્યાં વધુ ટીમો ફાળવવા સૂચના આપી હતી.
વધુમાં જે પશુઓને આ રોગનો ચેપ લાગ્યો છે તેમને તાત્કાલિક સારવાર હેઠળ આવરી લેવામાં આવે તથા રખડતાં પશુઓને પણ રસીકરણ તેમજ સારવાર હેઠળ આવરી લેવામાં આવે તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જે. બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે ભગદેવ, નિવાસી અધિક કલેકટર એમ. કે. મુછાર,  મોરબી પ્રાંત અધિકારી ડી.  એ. ઝાલા,  પશુપાલન નિયામક કટારા, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી મામલતદાર (ગ્રામિણ) નિખિલ દવે, મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, તેમજ પશુપાલન વિભાગના અધિકારી/કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

(11:46 pm IST)