Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

દ્વારકામાં કોર્ટ કેસ હારી જતા યુવાન ઉપર બે ભાઇઓ દ્વારા હુમલો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૨૭: દ્વારકાના બિરલા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા નિલેશભાઈ વશરામભાઈ ડાભી નામના ૪૦ વર્ષના સતવારા યુવાનનો કોઈ બાબતનો કોર્ટ કેસ દ્વારકામાં રહેતા પ્રકાશ મનસુખભાઈ મોટલા અને ધર્મેન્‍દ્ર મનસુખભાઈ મોટલા સામે ચાલતો હતો. જેમાં આરોપી કેસ હારી જતા આ બાબતનો ખાર રાખી, ફરિયાદી નિલેશભાઈ તથા તેમની સાથે સાહેદ વિનોદભાઈને આરોપીઓએ બિભત્‍સ ગાળો કાઢી, લાકડીઓ વડે માર મારી, ફેક્‍ચર જેવી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં બંને શખ્‍સો સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ભાણવડ, મીઠાપુરમાં દારૂના જથ્‍થા સાથે બે ઝડપાયા

ભાણવડ તાલુકાના રાણાસર નેસ વિસ્‍તારમાં રહેતા ટપુ લાખા હુંણ નામના ૩૧ વર્ષના રબારી શખ્‍સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૪,૮૦૦ ની કિંમતની ૧૨ બોટલ વિદેશી દારૂનો જથ્‍થો પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં રાણાવાવ તાલુકામાં રહેતા રામા કરમણ ઉલવા નામના શખ્‍સનું નામ પણ ખુલવા પામ્‍યું હતું. જે સંદર્ભે ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો છે.

મીઠાપુરની ટાટા ટાઉનશીપ વિસ્‍તારમાં રહેતા શ્રીનાથ ઉર્ફે શીનું કિરીટભાઈ જોશી નામના ૨૫ વર્ષના બ્રાહ્મણ શખ્‍સ દ્વારા પોતાના કબજાના એકટીવા મોટરસાયકલમાંથી પોલીસે વિદેશી દારૂની આઠ બોટલ કબજે કરી હતી. આથી પોલીસે રૂ.૩,૨૦૦ની કિંમતના પરપ્રાંતીય શરાબ તથા રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતના એકટીવા સહિત કુલ રૂપિયા ૩૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર ગુનો નોંધ્‍યો છે.

જુગાર રમતા નવ શખ્‍સો ઝડપાયા

ભાણવડથી આશરે ૧૧ કિલોમીટર દૂર મોરજર ગામની સીમમાંથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા લાલજી હરિભાઈ ભાલોડીયા, મનસુખ અંબાભાઈ રતનપરા, ચંદુ ઉર્ફે રામ ગોવિંદભાઈ પીપરોતર, દિપક પ્રેમજી બોડા અને મનીષ ઉર્ફે મુન્નો જીવનભાઈ કુડેચા નામના પાંચ શખ્‍સોને ઝડપી લઈ, કુલ રૂ.૧૧,૨૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયાના સંજયનગર વિસ્‍તારમાંથી ડાયા માલસી ડગરા, સુરેશ રમા પરમાર અને લગધીર જેસા ભાન નામના ત્રણ શખ્‍સો ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. દ્વારકા પોલીસે આલાભા પત્રામલભા માણેક નામના ૩૮ વર્ષના શખ્‍સને વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

(11:06 am IST)