Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

છેલ્લા ૩૦ વર્ષમાં નથી લીધી એટલી રજાઓ લોકડાઉનને કારણે લેવી પડી : સલમાન ખાન

પરાણે રજા રાખવી પડી : ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડી દિવસો વીતાવ્યા : હવે બિગ બોસ-૧૪ની તૈયારી : મહેનતાણુ ઓછું લીધું

નવી દિલ્હી તા. ૨૫ : બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને ગુરૂવારે કહ્યું કે તેણે છેલ્લા ૩૦ વર્ષમાં કામમાં આટલો લાંબો બ્રેક કયારેય લીધો નથી. જેટલો તેણે કોરોના વાયરસની રોકથામ માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન લેવો પડ્યો. ટીવી શો 'બીગ-બોસ ૧૪' અંગે આયોજિત ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં સલમાને આ ટિપ્પણી કરી. સલમાન ખાન ઓકટોબરથી બિગ બોસની આગામી સીઝનને હોસ્ટ કરવાનો છે.

સલમાને કહ્યું કે ગત મહિનામાં કામ ન કર્યું તે મારા માટે સૌથી વધુ તણાવભર્યુ રહ્યું. મે છેલ્લા ૩૦ વર્ષમાં કયારેય આટલી રજાઓ ભોગવી નથી. જો કે મારે જબરદસ્તીથી આ રજાઓ લેવી પડી. બોલિવુડ સુપરસ્ટારે કહ્યું કે આ અગાઉ તેણે વર્ષના અંતમાં રજાઓ ગાળવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે બિગ બોસ કાર્યક્રમને લઈને તેની પ્રતિબદ્ઘતાના કારણે તેણે આ નિર્ધારિત રજાઓમાં કાપ મૂકવો પડશે.

લોકડાઉનની જાહેરાત થતા સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર ગયો હતો. જેના પર ખાને કહ્યું કે માતા પિતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેઓ બ્રાન્દ્રામાં સલમાન સાથે જ રહે છે. ખાને રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન પોતાના ફાર્મ હાઉસ પર દિવસો વિતાવ્યા અને શાકભાજી ઉગાડવાના કામને પણ સારો સમય ગણાવ્યો.

સલમાન ખાને ખુલાસો કર્યો કે તેણે બિગ બોસની નવી સીઝન માટે ઓછા પૈસા લીધા છે. જેથી કરીને તેમની ફીને લઈને કોવિડ-૧૯ સંકટ દરમિયાન ચેનલ પર કોઈ દબાણ ન પડે. હકીકતમાં આ વર્ષે સલમાન ખાને આ શોની મેજબાની માટે ઓછું મહેનતાણું લીધુ છે. જેથી કરીને સુનિશ્યિત થઈ શકે કે દરેક ક્રુ મેમ્બરને તેમનું યોગ્ય મહેનતાણું મળે. બિગ બોસ ૧૪ કલર્સ ચેનલ પર પ્રીમિયર માટે તૈયાર છે.

બોલિવુડમાં હાલ જબરદસ્ત દહેશતનો માહોલ છે. સુશાંત સિંહ રાજપૂત સંલગ્ન ડ્રગ્સ કેસ મામલે અનેક મોટા કલાકારોના નામ સામે આવતા સન્નાટો વ્યાપી ગયો છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ઘા કપૂર જેવી મોટી અભિનેત્રીઓ અને અનેક ટીવી કલાકારોની પણ એનસીબી પૂછપરછ કરવાની છે.

(1:24 pm IST)