Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સચિવાલયમાં ફરજ બજાવતા પીઆઈએ આત્મહત્યા કરી

પીઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જીવન ટુંકાવ્યુ : ગાંધીનગર સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની જ કારમાં તેમણે જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર, તા.૨૦ : ગાંધીનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટરે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સચિવાલયમા સલામતી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે પટેલે શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની જ કારમાં તેમણે જીવન ટૂંકાવ્યું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ ગઈકાલે મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ પી.આઈ. પ્રિતેશ પટેલ ગુમ થતા તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. જોકે, આખી રાત ગુમ રહેલા અધિકારીને શોધવા માટે પોલીસમાં દોડધામ મચી હતી. આ દરમિયાન તેમની ક્રેટા કાર સચિવાલય સંકુલમાંથી મળી આવી હતી. તપાસ કરતા કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

           જો કે, તેમને આત્મહત્યા કયા કારણોસર કરી છે તે અંગે હજી કોઈ કારણ સામે આવ્યું નથી. પી.આઈ. પ્રિતેશ પટેલ સચિવાલય સંકુલની સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. એવી પણ વિગતો મળી છે કે, પી.આઈ. ઘરેથી નીકળ્યા ત્યારે તેમનો પરિવાર સાથે ઝઘડો થતો. પરંતુ આ અંગે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જણાવી દઈએ કે, બુધવારે ભાવનગરમાં એક પરિવારના ચાર સભ્યોની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી હતી. આ બનાવ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત ડીવાયએસપીના ઘરમાં બની હતી. નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી હતું, જ્યારે ઘરમાંથી તેમના પત્ની અને બે પુત્રીઓના પણ મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત પાલતૂ શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. નિવૃત્ત ડીવાયએસપી તેમના ગામડે ગયા હતા તે દરમિયાન જ તેમના ઘરમાં આ ઘટના બની ગઈ હતી.

(7:43 pm IST)