Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

અમદાવાદના વટવામાં ૧૪૦ મહિલાએ શિક્ષક બનવાની ઘેલછામાં ૧પ લાખ ગુમાવ્‍યા

ગરીબ બાળકોને ભણાવવા તથા વિવિધ યોજનાના કોન્‍સેપ્‍ટ હેઠળ યુપીનો ઠગ મહિલાઓના રૂ. ૧પ લાખ લઇ રફુચક્કર થઇ ગયો : વટવા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ: દેવ જન સેવા શિક્ષા સંસ્થાના નામે વટવામાં ગરીબ બાળકોને ભણાવવાનો તેમજ વિવિધ યોજનાના કોન્સેપ્ટ લાવી ઠગે રૂ.15.65 લાખની ઠગાઈ આચરી છે. આરોપીએ 140 જેટલી મહિલાઓને શિક્ષક બનાવવાની વાત કરી સારા પગારની લાલચ આપી હતી. દુકાન માલિકની પત્નીને આરોપીએ મ્હોંરુ બનાવી દરેક મહિલા પાસેથી રૂ.7-7 હજારની રકમ ઉઘરાવી તમામને માત્ર કાગળ પર શિક્ષક બનાવી હતી. શિક્ષક બનેલી મહિલાઓને કોઈ પગાર ના મળતા શખ્સની પોલ ખુલી હતી. દરમિયાનમાં પગાર માટે વાયદા કરતો શખ્સ રૂ.15.65 લાખનું ફુલેકું ફેરવી રાતોરાત ઓફિસને લોક મારી ઉત્તરપ્રદેશ તેના વતન ભાગી ગયો હતો. વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાંકરીયા ખાતે આધારશીલા કોમ્પ્લેક્સમાં રહેતાં મોનિકા રાજેશ ગુપ્તા (ઉં,36)એ આરોપી દેવેન્દ્રપ્રસાદ રાજેન્દ્રપ્રસાદ શ્રીવાસ્તવ વિરૂધ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં રૂ 15.65 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ મોનિકાના પતિ રાજેશભાઈની વટવા ગામડી રોડ પર સંગાની કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ આરોપી દેવેન્દ્રને ભાડે આપી હતી. આરોપીએ આ ઓફિસમાં ગરીબ બાળકોને ભણાવવા માટે દેવ જન સેવા શિક્ષા સંસ્થા અને સિક્યુરિટીની ઓફિસ ખોલી હતી.

આરોપીએ ગત ઓગષ્ટ,2019માં મોનિકાને તમે મારી સંસ્થામાં રૂ.7 હજાર ભરી જોડાઈ શકો છો. મારે ત્યાં લોન,પેંશન,ડોનેશન,વિધવા સહાય,બ્યુટીપાર્લર અને ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરૂં છું. સેવા પણ થશે અને તમને પૈસા પણ મળશે. તમારે એક બાળક દીઠ વાર્ષિક અભ્યાસના રૂ. 200 અને માસિક રૂ.50 લેવાના તેઓને તમારા ઘરે ભણાવવાના છે. જો તમે બીજા શિક્ષકો બનાવશો તો તેમાં પણ સારા પૈસા અને તમને સુપરવાઈઝરની પોસ્ટ મળશે.

આરોપીની વાતોમાં આવી મોનિકાએ રૂ.7 હજાર ભરી કામ શરૂ કર્યું હતું. તે પછી તેને 25 બાળકો તૈયાર કરી વાર્ષિક દરેકની રૂ. 200 લેખે કુલ ફી 5 હજાર ઉઘરાવી આરોપીને આપી હતી.

તે પછી મોનિકાએ 8 શિક્ષક બનાવ્યા તેના 56 હજાર આરોપીને આપ્યા હતાં. તે 8 શિક્ષકે તેમના હાથ નીચે બીજા 8-8 લોકોને શિક્ષક બનાવ્યા એ રીતે કુલ 140 મહિલાઓ રૂ.7 હજાર લેખે 9.80 લાખ આરોપીને આપી શિક્ષક બની હતી. જોકે આ મહિલાઓને પગાર મળતો નહોતો.

આ રીતે દેવેન્દ્રની અલગ અલગ સ્કીમમાં મોનિકાએ મેમ્બર બનાવી આરોપીને રૂ.15.65 લાખની રકમ ચૂકવી હતી. મોનિકાને આરોપીએ તમને રૂ.70 હજાર પગાર મળશે તેવી લાલચ આપી હતી.

શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ કેળવવા માટે મોનિકાને પગાર ચૂકવ્યો હતો. જોકે બાદમાં મોનિકાના હાથ નીચે શિક્ષક બનેલા લોકોના પગાર ચુકવવાની વાત કરતા આરોપીએ ચૂકવી દઈશ તેમ કહ્યું હતું. આ ગાળામાં અચાનક આરોપી દુકાનને લોક મારી ગત તા.20,માર્ચ,2020ના રોજ ફરાર થઈ ગયો હતો. ફોન પર વાયદા કર્યા બાદ આરોપી દેવેન્દ્રએ ફોન બંધ કરી દીધા હતાં. વટવા પોલીસે મોનિકા ગુપ્તાની ફરિયાદ આધારે વટવા પોલીસે યુપીના લખનૌના રહેવાસી આરોપી દેવેન્દ્ર શ્રીવાસ્તવ વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)