Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વિકાસનો હેતુ પાર પાડવા એક જ દિવસમાં એક સાથે ૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા વિજયભાઈ રૂપાણી

બેચરાજી અને લીંબડી વિસ્તાર વિકાસ સત્તા મંડળ તેમજ નવસારી અને બારડોલી શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેંટ પ્લાન મંજુર:થયા

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરો- મોટા શહેરો સાથે નાના નગરો, ગામોના પણ આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ દ્વારા સમ્યક વિકાસનો ધ્યેય રાખ્યો છે આ હેતુસર મુખ્યમંત્રીએ નાના નગરો તથા વિસ્તાર વિકાસ મંડળોના વિકાસ નકશા  એટલે કે ડેવલપમેન્ટ પ્લાનને આખરી ઓપ આપીને તે વિસ્તારના ભવિષ્યના સુઆયોજિત વિકાસને કેન્દ્રસ્થાને રાખેલા છે.

  મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા બે વિસ્તાર વિકાસ સત્તા મંડળો અને બે શહેરી વિકાસ સત્તા મંડળો એમ એક જ દિવસમાં એક સાથે વધુ ૦૪-ચાર ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવાનો ઈતિહાસ સર્જ્યો છે
   આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ બેચરાજી જેવા ગ્રામ્ય વિસ્તારને શહેરની ભૌતિક સુવિધાઓ આપીને તેની નજીકના માંડલ-બેચરાજી એસ.આઈ.આર. (સર) સમકક્ષ વિકાસની કેડી કંડારવાના આશયે બેચરાજીના પ્રથમ વિકાસ નકશાને મંજૂરી આપી છે
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલી આ મંજૂરીને પરિણામે બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળ અંતર્ગત બેચરાજી ગામના અંદાજે ૮.૭૮ ચોરસ કિલોમીટર રેવન્યુ વિસ્તારનો વિકાસ થશે.
  ખાસ કરીને બેચરાજી માતાના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓ, લાખો ભકતોને પાર્કિંગથી લઇ દર્શન સુધી કોઈ તકલીફ ન પડે તેવા સુદ્રઢ આયોજનને ઓપ આપી કેટલાક સુધારા માટે જાહેર જનતાના વાંધા-સૂચનો મેળવવા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવા સાથે વિકાસ નકશાને મંજૂરી અપાઇ છે.
 બેચરાજીની આ વિકાસ યોજનામાં રહેણાંક, વાણિજ્યક, ઔદ્યોગિક, જાહેર હેતુ, પાર્કિગ સહ ૯.૦૦ મી, ૧૨.૦૦ મી, ૧૮.૦૦ મી, ૨૪.૦૦ મી, ૩૬.૦૦ મી તેમજ ૯૦.૦૦ મી પહોળા રસ્તાઓનું આયોજન સુચવેલુ છે. તેનાથી આવતા વર્ષોમાં બેચરાજીની એક અલગ જ ઓળખ ઉભરી આવશે
મુખ્યમંત્રીએ લીંબડી વિસ્તાર વિકાસ સત્તામંડળ ના રિવાઇઝ્ડ પ્લાનને પણ મંજૂરી આપી છે. રાજાશાહી વખતના શહેર લીંબડીના આશરે ૧૩.૪૦ ચો.કિ.મી. વિસ્તાર માટે વિવિધ ઝોનીંગ સહ ગામતળ બહાર આયોજિત વિસ્તારમાં ગ્રીડ પેટર્નમાં સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે. તેમાં ૧૨.૦૦ મી થી લઈ ૪૦.૦૦ મી સુધીના અલગ-અલગ પહોળાઈના રસ્તાઓ સુચિત કરેલા છે.
લીંબડી જેવા નાના શહેરમાં પણ ભવિષ્યમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ દ્વારા વધુ સુઆયોજીત વિકાસ કરવાના ઉદ્દેશથી, આ વિકાસ નકશામાં ડી.પી.ના કોઈ રીઝર્વેશન સુચવેલા નથી.
આમ, સૌરાષ્ટ્ર તરફ જતા હાઇવે પરના શહેર લીંબડીના રીવાઇઝ્ડ ડેવલપમેન્ટ માટેના પ્રાથમિક જાહેરનામાને પ્રસિધ્ધ કરવા મુખ્યમંત્રીએ મંજુરી આપી છે
   મુખ્યમંત્રીએ નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના ૧૫ ગામો મળી ૭૧.૩૭ ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે
આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે. ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવા ઉપર વધુ ભાર મુકતાં અને શહેરની આંતરમાળખાકીય સવલતો માટે ટી.પી. મારફતે જમીન મેળવવાનું જણાવતા, નવસારી ઓથોરીટીના ડેવલપમેન્ટ પ્લાનમાં એક પણ રીઝર્વેશન સુચવેલું નથી.
આ વિકાસ યોજનામાં હયાત રસ્તાઓનું રીસર્ફેસીંગ, સુચિત નવા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ વિગેરે સહિતની આંતરમાળખાકીય સવલતો આપવા   રૂ. ૬૫૫/- કરોડ નો ખર્ચ આગામી ૧૦ વર્ષમાં થવાનો અંદાજ છે.
બારડોલી શહેર તથા આસપાસના ૧૬ ગામોના કુલ ૬૫.૭૮ ચો.કિ.મી. વિસ્તાર જેમાં બારડોલી નગરપાલિકાનો ૬.૬૭ ચો.કિ.મી. તથા અન્ય લાગુ ગામોના વિસ્તાર માટે બારડોલી શહેરી વિકાસ સત્તામંડળ (BUDA)ની રચના  રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે
 આ રચનાના અનુસંધાને BUDA દ્વારા તા. ૬/૧૨/૨૦૧૯ થી પ્રથમ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન ટાઉન પ્લાનીંગ એક્ટની કલમ-૧૩ હેઠળ પ્રસિધ્ધ કરેવામાં આવ્યો હતો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્લાન અંગે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી,  આ વિકાસ નક્શાને મંજુરી આપતા સમગ્ર વિસ્તારના આયોજનને નવી દિશા પ્રદાન કરી છે
  વિજયભાઇએ BUDA માં સમાવિષ્ટ દરેક ગામોને રોડ કનેક્ટીવીટી મળી રહે તે માટે જે તે ગામોની વસ્તીનું આકલન, હયાત ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધિઓ વિગેરે અનુસાર ૧૮.૦૦ મી. થી ૩૦.૦૦ મી. પહોળાઇના વિવિધ રસ્તાઓ સહ ૬૦.૦૦ મી. ના રીંગ રોડના આયોજનને મંજુરી આપી છે.
વિકાસ યોજનામાં સુચવાયેલા રસ્તા, વીજળી, પાણી સહિતના આંતરમાળખાકીય સવલતો તથા જાહેર સેવાઓને લગતા ૧૦ વર્ષના કામોનો ખર્ચ રૂા. ૪૨૫ કરોડ અંદાજવામાં આવ્યો છે
સમગ્ર વિસ્તારમાં સુચિત વસ્તી આધારિત રહેણાંક / વાણિજ્યક / ઔદ્યોગિક / જાહેર હેતુ વિગેરે ઝોનીંગ પણ મુખ્યમંત્રીએ કરવા સુચવ્યુ છે.
મુખ્યમંત્રીએ એક સાથે ચાર સત્તામંડળોના વિકાસ નકશાને મંજુરી આપી,  સુચવેલ સામાન્ય ફેરફારો માટે લોકોના વાંધા સુચનો મંગાવતા પ્રાથમિક જાહેરનામાં પ્રસિધ્ધ કરવા મંજુરી આપીને વડાપ્રધાનના સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે.
મુખ્યમંત્રીએ જે ઝડપથી મંજૂરી આપવામાં આવે છે તેનાથી બમણી ઝડપે વિકાસ નકશા મુજબના વિકાસ કામો થાય તેવી સ્પષ્ટ સુચનાઓ પણ અધિકારીઓને આપી છે
મુખ્યમંત્રી પારદર્શિતાથી આવી મંજૂરીઓ આપીને રાજ્યના સમ્યક વિકાસ માટે પ્રતિબધ્ધ છે.

(9:03 pm IST)