Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હાઈપ્રોફાઈલ કૂટણખાનામાંથી ૧૧ રૂપલલનાઓને છોડાવાઈ

ઔડાના મકાનમાં ચાલતા કૂટણખાના પર દરોડા : રાજુ યાદવ નામની વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી આ કૂટણખાનું ચલાવતો હોવાની પોલીસ માહિતી મળી હતી

અમદાવાદ,તા.૨૩ : શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે અહીંથી ૧૧ જેટલી રૂપલલનાઓને મુક્ત કરાવી છે. મળતી માહિતી પ્રમાણે રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી આ કૂટણખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક યુવતીઓને અહી ગોંધી રાખી અનૈતિક કામ કરાવવામાં આવતું હોવાની પોલીસ કંટ્રોલરૂમને જાણ થતા જ પોલીસે આ કાર્યવાહી કરી હતી. રાજુ યાદવ નામના આરોપીએ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી આ યુવતીઓને બોલાવી હતી. રાજુ આ યુવતીઓ પાસે અનૈતિક કામ કરાવતો હતો. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો કર્યો હતો. આ મકાનોમાં જ તેણે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. જ્યારે ગ્રાહકોને શાહી સવલતો પૂરી પાડવા માટે ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી.

પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરતા રોકડા રૂપિયા ૧૪,૫૪૦, ત્રણ એલઈડી ટીવી, ૫ એસી, ૧૨ મોબાઈલ અને ૧ રિક્ષા જપ્ત કરી છે. સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ અંગે અગાઉ પણ અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક જગ્યાએ આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અનેક જગ્યાએ સમાજ પાર્લરના આડમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. પોલીસ સમયાંતરે આવી જગ્યાઓ પર દરોડાં કરતી રહી છે. જોકે, થોડા સમય બાદ આવી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થઈ જતી હોય છે.

(7:52 pm IST)