Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

'INS વિરાટ'ની અંતિમ સફર શરૂ : કાલે રાત્રે અલંગ શિપ બ્રેક્રિંગ યાર્ડમાં પહોંચશે

INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે

નવી દિલ્હી : ભારતીય નૌ સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુદ્ધ જહાજ INS વિરાટની મુંબઈથી અંતિમ સફર શરૂ થઈ ગઈ છે અને  મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી નીકળીને ભાવનગર અલંગ શિપ બ્રેકીંગ તરફ આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને 2017માં રિટાયર કરાયુ હતુ. રવિવારે રાતે આ વિમાન વાહક જહાજ ભાવનગર ખાતે પહોંચશે.

આઈએનએસ વિરાટ એક માત્ર એવુ યુધ્ધ જહાજ છે જે પહેલા બ્રિટન અને એ પછી ભારતની નેવીનો હિસ્સો રહી ચુક્યુ છે. વિરાટને 2017માં એક હરાજીમાં 38 કોરડ રુપિયામાં ખરીદવામાં આવ્યુ હતુ. હરાજીમાં જહાજને લેનાર કંપનીઓનુ કહેવુ છે કે, મોટરસાયકલ બનાવનાર ઘણી કંપનીઓ સંપર્કમાં છે. તેઓ આ જહાજનુ સ્ટીલ ખરીદવા માંગે છે. આ પહેલા રિટાયર થયેલા આઈએનએસ વિક્રાંત જહાજના સ્ટીલમાંથી પણ મોટર સાયકલ બનાવાઈ હતી.

INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. મળતી માહિતી મુજબ INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે છે.

(10:39 am IST)