Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

શિક્ષકોના શૌચાલયમાંના વીડિયોથી બ્લેકમેઈલ કર્યા

કોરોનાના કપરા કાળમાં શાળા સંચાલકોની કરતૂત : ઉત્તર પ્રદેશના મેરઠની એક ખાનગી સ્કૂલના ૫૨ શિક્ષકોને બ્લેકમેઈલ કરી પગાર વિના અનેક માસ કામ કરાવાયું

મેરઠ, તા. ૨૫ : ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં ૫૨ જેટલા શિક્ષકોએ પ્રાઈવેટ સ્કૂલ સામે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. એક અહેવાલ મુજબ, શિક્ષકોનો આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટે ટોઈલેટમાંથી તેમનો સિક્રેટ વીડિયો ઉતારી લીધા અને બાદમાં બ્લેકમેઈલ કરીને મહિનાઓ સુધી પગાર આપ્યા વિના જ નોકરી કરાવી.

રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે, જ્યારે પણ આ શિક્ષકો પોતાની બાકી પગાર વિશે પૂછતા તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટિનો સેક્રેટરી તેમના આ અશ્લીસ ફોટો અને વીડિયો  બતાવીને ધમકાવતો હતો. પોલીસે આ મામલે બુધવારે મેનેજમેન્ટ કમિટિના સેક્રેટરી તથા તેના પુત્ર વિરુદ્ધ કથિત જાતીય સતામણીની એફઆઈઆર નોંધી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીએલની કલમ ૩૫૪ (એ), ૩૫૪(સી) અને ૫૦૪ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બુધવારે સાંજે સેક્રેટરીના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જોકે મેનેજમેન્ટ કમિટિના સેક્રેટરીએ પોતાના પર લાગેલા જાતીય સતામણીના તમામ આરોપોને ફગાવ્યા હતા. સેક્રેટરીનું કહેવું છે કે, મહિલાઓના ટોઈલેટમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. પરંતુ તેમણે જેન્ટ્સ ટોઈલેટમાં સીસીટીવી લગાવેલા છે. હાલમાં જ સ્કૂલમાં એક હત્યા થઈ હતી આવી ઘટનાને અટકાવવા કેમેરા લગાવાયા છે. સેક્રેટરીએ જોકે સ્વીકાર્યું હતું કે હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીની સ્થિતિમાં સ્કૂલ છેલ્લા કેટલાક મહિનાઓથી શિક્ષકોને પગાર આપી શકી નથી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના આ કપરા સમયમાં હાલ મોટાભાગની સ્કૂલો ઓનલાઈન ચાલી રહી છે. જોકે અનલોક-૪માં કેન્દ્ર સરકારે રાજ્યોને ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓને ક્લાસમાં જવાની મંજૂરી આપી હતી છતાં ઘણા ઓછા રાજ્યોએ ફરીથી સ્કૂલો શરૂ થઈ છે. લોકડાઉનના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ જતા વાલીઓ સ્કૂલ ફીને લઈને પણ નારાજ છે. પરિણામે ઘણી સ્કૂલોને શિક્ષકોનો પગાર ચૂકવવા માટે ફાં ફાં પડી રહ્યાછે.

(7:23 pm IST)