Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોરોનાને કારણે ઓકસીમીટર તથા વેપોરાઇઝરની ભારે ડીમાન્ડ નિકળી પડી

શરીરમાં ઓકસીજનનું પ્રમાણ જાણવા ઓકસીમીટર તથા સ્ટીમ (નાસ) લેવા માટે વેપોરાઇઝર ઉપયોગીઃ વિટામીન સી ની ટેબલેટના વેચાણમાં પણ ઉછાળો આવ્યો

રાજકોટ તા.ર૪ : વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભય ફેલાવી દીધો છે. લાખો લોકોના જીવ કોરોનાના લીધે ગયા છે. તથા કરોડો લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે અને સારવાર લઇ રહ્યા છે. કોરોનાએ સમગ્ર દુનિયાને અણધાર્યો સમય બતાવી દીધો છે.

લોકો કોરોના સામેની તકેદારીના પગલા પણ મોટા પ્રમાણમાં લેવા માંડયા છે. અનલોક દરમ્યાન ઘરમાં રહીને કે બહારથી ઘરે આવીને લોકો કોરોના સામે સતત સલામતીના પગલા લઇ રહ્યા છે. જેમાં શરીરમાંં ઓકસીજનનું પ્રમાણ ચેક કરતું રહેવું, કોરોના વાયરસની સામે રક્ષણ મેળવવા નાક તથા મો વડે થોડી મિનિટો નાસ (ગરમ સ્ટીમ-વરાળ) લેવી, રોગ પ્રતિકાર શકિત વધારવા વિટામીન સી વધુ પ્રમાણમાં લેવું વિગેરેનો સમાવેશ થાય છે.

આ બધાં કારણોને લીધે હાલમાં શરીરમાં ઓકસીજનનું પ્રમાણ બતાવતા પલ્સ ઓકસીમીટર તથા સ્ટીમ વેપોરાઇઝરની ભારે ડીમાન્ડ નિકળી પડી છે. ઘણી જગ્યાએ તો વેપોરાઇઝરની ખેંચ ટુંકા સમય માટે વર્તાઇ રહી છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં શરદી-ઉધરસ-તાવના લક્ષણોની સાથે-સાથે ઘણી વખત શરીરમાં ઓકસીજનની પણ કમી  દેખાવા લાગે છે. શરદી-ઉધરસ - તાવની તો લોકો દવા લઇ લેતા હોય છે. પરંતુ શરીરમાં ઓકિસજનનું લેવલ જાણવા માટે ઓકસીમીટર જરૂરી છે. આને કારણે દવા બજારમાં ઓકસીમીટરની માંગમાં વધારો થઇ રહ્યો છે.

દવા બજારમાંથી એવું પણ જાણવા મળે છે કે સ્ટીમ વેપોરાઇઝરની પણ જબ્બરદસ્ત ડીમાન્ડ જોવા મળે છે. શરદી-ઉધરસ-તાવ તથા ફેફસાની બિમારીમાં રાહત માટે અને કોરોના વાયરસ સામે લડત આપવા સ્ટીમ લેવી (નાસ) ખૂબ જરૂરી છે. ઘરબેઠા જ સરળતાથી પસંદગીના સમયે સ્ટીમ (વરાળ) લઇ શકાય છે. બજારમાં ઇલેકટ્રીક તથા મેન્યુઅલ એમ બંને ટાઇપના વેપોરાઇઝર ઉપલબ્ધ છે. ઘણા લોકો તો ગરમ પાણીમાં થોડુ કપુર નાખીને પણ સ્ટીમ વેપોરાઇઝરનો ઉપયોગ કરે છે.

જો માણસની રોગ-પ્રતિકારક શકિત સારી હોય તો કોરોના દૂર જ રહે છે. જેથી રોગપ્રતિકારક શકિત (ઇમ્યુનિટી સિસ્ટમ) વધારવા માટે વિટામીન સી ની ટેબલેટના વેચાણમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. લીંબુ, મોસંબી, નારંગી, પાઇનેપલ વિગેરે ફળોમાંથી તો વિટામીન સી મળે જ છે પરંતુ કોઇ કારણસર પ્રમાણમાં ઓછા ફ્રુટસ ખાતા લોકોને ડોકટર્સ પણ વીટામીન સી ની ટેબ્લેટ લેવાનું કહેતા હોય છે. જેને કારણે ચાવવા માટેની વિટામીન સી ની ટેબ્લેટ પણ દવા બજારમાં હાલમાં મોટા પ્રમાણમાં વેચાઇ રહી છે.

રાજકોટની દવા બજારમાં ઓકસીમીટર તથા વેપોરાઇઝરના ભાવ

રાજકોટની દવાબજારમાં વિવિધ કંપનીઓના ઓકસીમીટર કંપની તથા કવોલિટી મુજબ અંદાજે ૮૦૦ રૂપિયાથી માંડીને રપ૦૦ રૂપિયા સુધી મળી રહ્યા છે. ચાઇનાની કંપનીઓ ઉપરાંત હાઇફોકસ, મેડટેક, ટ્રવ્યુ સહિતની ઘણી બધી કંપનીઓ ઓકસીમીટર બનાવે છે. ઉપરોકત કિંમતમાં સંબંધને અનુરૂપ ડીસ્કાઉન્ટ પણ મળી શકે છે. જો કે તમામ કંપનીના ઓકસીમીટરની વિશ્વસનિયતા સારી જ હોવાનું દવાબજારના અગ્રણી વેપારીઓ કહી રહ્યા છે.

મેડીકલ ક્ષેત્રમાંથી એવું પણ સૂચન થઇ રહ્યું છે કે જો કોરોના પોઝીટીવ હોય તો જ ઓકસીમીટર ખરીદ કરાય. જો સામાન્ય તાવ-શરદી-ઉધરસ હોય અને કોરોનાની બીક લાગે તો ઘણા કિસ્સામાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફ્રી ઓફ ચાર્જ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કરાવાથી કોરોનાની ખબર પણ પડી જાય અને જલ્દીથી સારવાર શરૂ થતાં વહેલી રીકવરી આવી જાય અને કુટુંબના અન્ય સભ્યોને પણ કોરોનાનો ભય ન રહે. ઉપરાંત ઓકસીમીટરના રૂપિયા પણ બચી જાય.

ઇલેકટ્રીક વેપોરાઇઝર બે ટાઇપના આવે છે એક વનપીસ આવે છે કે જેમાં સીંગલ-એકસરખી રીતે જ નાસ લઇ શકાય છે.જે બજારમાં અંદાજે ૧૦૦ રૂપિયાથી ૧૮૦ રૂપિયા સુધી મળે છે. બીજા થ્રી પીસ વેપોરાઇઝર આવે છે કે જેમાં અલગ-અલગ રીતે નાસ (સ્ટીમ) લઇ શકાય છે. જેની અંદાજીત કિંમત ૧૦૦ રૂ. થી ૩પ૦ રૂપિયા સુધીની છે ઇલેકટ્રીક ન હોય તેવા સાદા ઇગ્લુ ઇન્હેલર પણ બજારમાં મળે છે. આસ્થા મેડટેક, કોરોનેશન, ઇગ્લુ સહિતની કંપનીઓ વેપોરાઇઝર બનાવે છે.

(10:29 am IST)
  • નેપાળમાં ૪૮ કલાકથી ભારે વરસાદ ચાલુ: જાનહાનિ અને ખાના-ખરાબી: નેપાળમાં મંગળવારથી સતત મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. શીલાઓ ગબડતા, ભૂમિ ધસી પડતા ૧૨ના મોત થયા છે અને ૯ લાપતા છે access_time 12:21 am IST

  • સેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST