Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વર્ક ફ્રોમ હોમની આડઅસરઃ લોકોમાં વધી રહી છે આંખની આ સમસ્યા

કોરોના મહામારીના કારણે આજકાલ બધું જ ઓનલાઈન થઈ ગયું છેઃ બાળકો લેપટોપ કે મોબાઈલની સ્ક્રીન સામે બેસીને અભ્યાસ કરે છે તો કર્મચારીઓ પણ કલાકો સુધી લેપટોપ સામે બેસીને ઓફિસનું કામ કરે છે, જેના કારણે આંખની આ તકલીફમાં ભારે વધારો થયો છે

અમદાવાદ, તા.૭: જુહાપુરામાં રહેતા ૩૪ વર્ષીય નાવેદ ઈકબાલે (નામ બદલ્યું છે) હાલમાં જ આંખના ડોકટરની મુલાકાત લીધી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા શિક્ષક નાવેદ આંખમાં સતત કંઈક ખૂંચતું હોય તેવી ફરિયાદ લઈને ડોકટર પાસે પહોંચ્યા હતા. તેમણે અવારનવાર આંખો મસળી અને પાણીથી સાફ કરી પરંતુ કંઈ જ ફરક પડ્યો નહોતો.

'કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ (CVS)થી પીડાતા અસંખ્ય દર્દીઓમાંથી એક નાવેદ છે. તેમની આ સ્થિતિ પાછળનું કારણ છે સતત લેપટોપ અને મોબાઈલ ફોનનો ઉપયોગ. વેબિનાર ભરવાના હોય કે ઓનલાઈન ટ્રેનિંગ લેવાની હોય અથવા શો જોવાના હોય કલાકો સુધી આંખો લેપટોપ કે મોબાઈલ સામે રહે છે. જેના કારણે તેમની આંખો સૂકાઈ ગઈ અને ટીયર ડકટ બ્લોક થયું, તેમ બી.જે. મેડિકલ કોલેજના ઓપ્થલ્મોલોજી વિભાગના પ્રોફેસર ડો. સોમેશ અગ્રવાલે જણાવ્યું. તેવું ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

શહેરના નિષ્ણાતોનું માનીએ તો છેલ્લા ત્રણ મહિનામાં CVSના કેસમાં ૧૦-૧૫ ગણો વધારો થયો છે. ઓપ્થલ્મોલોજીસ્ટ ડો. મનીષ જોષીએ કહ્યું, 'મારા ઓપીડી કેસમાંથી અડધા જેટલા તો ઘ્સ્લ્ની પીડાતા હોય છે. લોકડાઉન દરમિયાન ગેજેટ્સના વપરાશમાં પ્રચંડ વધારો થયો છે. લોકો એક ડિવાઈસ મૂકીને બીજું પણ પકડી લેતા હોય છે. માટે જ લગભગ દરેક ઉંમરના લોકો આ લક્ષણો સાથે આવે છે. સ્ક્રીનથી યોગ્ય અંતર ના રાખવામાં આવે ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય છે. આંખનું સામાન્ય રીતે પટપટવું અટકી જાય છે. ખોટા એંગલના લીધે પણ મુશ્કેલીમાં વધારો થાય છે.' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, CVSના લક્ષણોને અવગણવા ના જોઈએ. ડો. અગ્રવાલે કહ્યું, 'ઉપાયો સરળ છે પરંતુ તેનું પાલન શિસ્તબદ્ઘ રીતે થવું જોઈએ. હાલ મોટાભાગનું કામ ઓનલાઈન થાય છે અથવા તો પૂરું કરવા ડિજિટલ સ્ક્રીનની જરૂર પડે છે. સ્ક્રીન સાઈઝ અને ફોન્ટ મોટા હોવા જોઈએ તેમજ સ્ક્રીન સામે બેસવાની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. મતલબ કે સ્ક્રીન આઈ-લેવલ પર હોવી જોઈએ ઉપર કે નીચે નહીં. એસીમાં બેસીને કામ કરો ત્યારે આંખો ડ્રાય થવાની સમસ્યા વધી જાય છે.'

ડો. જોષીના મતે, લેપટોપ સામે બેસીને બે કલાકમાં જ આંખોને તાણ પડે છે જયારે મોબાઈલ સામે આ સમય ૩૦ મિનિટનો હોય છે. ઓપ્થલ્મોલોજીસ્ટ ડો. મનીષ રાવલે કહ્યું, 'જયારે આપણે સતત મોબાઈલ, લેપટોપ કે ટેબલેટની સ્ક્રીન સામે જોઈ રહીએ છીએ ત્યારે આંખની નજીકના સ્નાયુઓ ખેંચાય છે. જેના કારણે આંખો થાકી જવા ઉપરાંત તેમાં બળતરા અને માથાનો દુખાવો પણ થાય છે. થાકેલી આંખોને આરામ આપવા માટે પટપટાવવી ખૂબ જરૂરી છે.'

ડો. અગ્રવાલે કહ્યું, 'દર ૫૦ મિનિટે સ્ક્રીનથી દૂર થઈ ૧૦ મિનિટનો બ્રેક લેવો જરૂરી છે. લોકડાઉન પહેલા અને પછી ઘ્સ્લ્ના કેસોમાં અનેક ગણો વધારો નોંધાયો છે. બાળકો માટે પણ સ્ક્રીન ટાઈમ નક્કી રાખવો જોઈએ, જેથી વિના કારણે તેઓ સ્ક્રીન સામે કલાકો ના બેસી રહે.' કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના લક્ષણોની વાત કરીએ તો, આંખમાં ખંજવાળ આવવી, ડ્રાય થઈ જવી, બળતરા થવી, ડબલ અથવા બ્લર વિઝન, ડિજિટલ ડિવાઈસના ઉપયોગ પછી સતત માથું દુખવું.

આંખોની સુરક્ષા માટે આટલું કરો

 ૨૦-૨૦-૨૦નો રૂલઃ દર ૨૦ મિનિટે સ્ક્રીન સામેથી નજર હટાવીને ૨૦ મિનિટનો બ્રેક લો અને ૨૦ ફૂટ દૂરની વસ્તુને જુવો. પણ વસ્તુ જોવામાં આંખને તાણ ના પડે તેનું ધ્યાન રાખો.

 નિયમિત બ્રેક લોઃ નિષ્ણાતોના મતે મોટાભાગના લોકો વારાફરતી એક પછી એક ગેજેટ વાપર્યા કરે છે. જેમકે, લેપટોપ મૂકીને ટેબલેટ કે સ્માર્ટફોન લે અને તેમાં મેસેજ ચેક કરે અથવા ઈન્ટરનેટ પર સર્ફિંગ કરે. વેબ કન્ટેન્ટ જોવામાં વાંધો નથી પરંતુ આંખોને આરામ આપવા નિયમિત બ્રેક લેવા જરૂરી છે.

 આંખ પટપટાવવી મહત્વની છેઃ સતત સ્ક્રીન સામે જોઈ રહેવાથી આંખ પટપટાવવાની સંખ્યા ઘટી જાય છે. જેના કારણે આંખો ડ્રાય થઈ જાય છે. તમારી આંખની કીકી સહેજ ભીની રહે તે માટે લાંબો વખત માટે આંખ પટપટાવો. આ આદત તમે પણ કેળવો અને બાળકને પણ શીખવો.

 યોગ્ય અંતર રાખોઃ આંખને ખેંચાણ ના અનુભવાય તેટલું અંતર ડિવાઈસથી રાખો. નિષ્ણાતોના મતે, જો શકય હોય તો મોટી સ્ક્રીનનો ઉપયોગ કરવો. તમારા ડિવાઈસને ટીવી સાથે કનેકટ કરી દો. ઓનલાઈન કલાસ, મીટિંગ કે કોન્ફરન્સ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો.

 ડાર્ક મોડ/નાઈટ મોડનો ઉપયોગ કરોઃ શકય હોય ત્યારે તમારા ફોનના સ્માર્ટ સેટિંગ્સનો ઉપયોગ કરો. જેથી બ્લૂ લાઈટ્સ સાથે ઓછામાં ઓછો સંપર્ક થાય. ડિવાઈસની બ્રાઈટનેસ પણ સામાન્ય રાખો. આસપાસના વાતાવરણને જોઈને બ્રાઈટનેસ સેટ કરો. અંધારામાં ડિવાઈસનો ઉપયોગ ટાળો.

(3:21 pm IST)