Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરતમાં એસવીઆર કોલેજ નજીક માસ્ક વગર સાયકલ સવારો પાસેથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી

સુરત:કોરોના અંગે ગાઈડ લાઈનની રોજે- રોજ થતી અપડેટના કારણે લોકો અને મ્યુનિ. તંત્ર વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. સુરતની એસવીઆર કોલેજ પાસે ગઈકાલે વહેલી સવારે માસ્ક વિનાના સાયકલ સવારો પાસે એક- એક હજારનો દંડ વસુલાતા વિવાદ ઉભો થયો છે. સાયકલ સવારો કેન્દ્રના આરોગ્ય વિભાગે અગાઉ ગાઈડ લાઈન જાહેર કરી હતી તે મુજબ માસ્ક ન પહેરે તો ચાલે તેવી દલીલ કરતાં હતા. તો બીજી તરફ અઠવા ઝોનમાં સંક્રમણ વધી રહ્યું હોવાથી માસ્ક વિનાના સાયકલ સવારો પાસે પણ દંડ વસુલવામા આવ્યો હતો. આ અંગેના વિવાદ અંગેનો સોશ્યલ મિડિયામાં વિડિયો વાઈરલ થતાં હવે સુરતીઓ મુંઝવણમાં મુકાઈ રહ્યાં છે કે, કોરોના માટે કોની ગાઈડ લાઈનનો અમલ કરવાનો કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની કે મ્યુનિ. તંત્રની ગાઈડ લાઈનનો? 

સુરત મહાનગરપાલિકાના એસ.વી.આર. કોલેજ  સર્કલ પરથી દર રવિવારે મોટી સંખ્યામાં સાયકલ સવારે પસાર થતાં હોય છે. રવિવારે ગૌરવ પથથી ડુમસ સુધીના રસ્તા પર સાયકલ સવારો જાય છે તેમાંથી પચાસેક જેટલા સાયકલ સવારો જેની પાસે માસ્ક ન હતા તેઓને દંડ ફટકરાવવામાં આવ્યો હતો. મ્યુનિ.ના આરોગ્ય વિભાગની એસવીઆર સર્કલ પાસે ઉભેલી ટીમે માસ્ક વિનાના દરેક સાયકલ સવાર પાસે એક એક હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. ઝોનના અધિકારીઓ જણાવતાં હતા કે અઠવા ઝોનમાં સંક્રમણ હવે વધી રહ્યું છે અને કોઈ પણ વ્યક્તિ માસ્ક નહી પહેરો તો સંક્રમણ વધી શકે છે તેથી દંડ વસુલવામાં આવ્યો છે.

(5:30 pm IST)