Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં AAPની મહિલા કાર્યકર્તાને પોલીસે ટીંગાટોળી કરવાનો પ્રયાસ કરતાં હાસ્યાસ્પદ બનાવ બન્યો !

AAPના કાર્યકરોએ વડાપ્રધાનના મફત રેવડીના નિવેદનનો વિરોધ કર્યો : વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

અમદાવાદ તા.18 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર ઘાતક સાબિત થઈ શકે છે.  તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈ આજે અમાદાવાદ AAP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ દરમિયાન AAPની એક મહિલા બે મહિલા પોલીસકર્મીઓને ભારે પડી હતી. પોલીસે ટીંગાટોળી કરીને તેમની ધરપકડ કરી હતી.

વિરોધ પ્રદર્શનને પરમિશન ન હોવાથી કાગડાપીઠ પોલીસ દ્વારા 40થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. મફત રેવડી વહેચણીના નિવેદનના પગલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના રાયપુર વિસ્તારમાં બિગ બજાર પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જોકે કાર્યક્રમ યોજાય તેની પહેલાં જ પોલીસ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત શરૂ કરી દીધી હતી.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ની આગેવાનીમાં કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં ઈસુદાન ગઢવી હાજર રહ્યા ન હતા પરંતુ મનોજ સોરઠીયા અને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત માતાકી જય, ઈન્કલાબ જીન્દાબાદ લડેંગે જીતેંગે નારા લગાવ્યા હતા.વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને પરમિશન ન હોવાથી કાગડાપીઠ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી 10થી વધુ મહિલાઓ અને 30થી વધુ પુરુષોની પોલીસે અટકાયત કરી હતી.

પોલીસે ટીંગાટોળી કરી અને તમામ કાર્યકર્તાઓને નેતાઓને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમમાં થોડી રમુજ પણ ઉત્પન્ન થઈ હતી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની અટકાયત કરવા માટે બે મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખવામાં આવી હતી. બંને મહિલા પોલીસ કર્મચારી ભેગા થઈ અને એક મહિલાને પકડી અને વાનમાં બેસાડવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ મહિલા કાર્યકર દ્વારાએ બંને મહિલા પોલીસ કર્મચારીઓને ખેંચતા તેઓ આગળ આવી ગયા હતા. આવા દ્રશ્યો સર્જાતાં ત્યાં હાજર રહેલા લોકોમાં પણ થોડા સમય માટે હસી મજાક ઉત્પન્ન થઈ હતી.

(9:18 pm IST)