Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP અને AIMIMની એન્ટ્રીથી ભાજપની ચિંતા વધી

કોંગ્રેસની સાથે ભાજપ સામે હવે બે નવા પડકાર : આપ, AIMIMનું જોર વધી જાય તો ભાજપ માટે જોખમકારક બની શકે

અમદાવાદ તા.18 : ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક  આવી રહી છે.  ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપની ચિંતા પણ વધી રહી છે. જેનું કારણ AAP અને ઓવૈસીની AIMIM છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામની સીધી અસર ગુજરાત ભાજપ પર પણ પડી શકે છે.

ગુજરાત બાદ ભાજપશાસિત મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMની વટભેર એન્ટ્રી થઈ જતાં ભાજપ હાઇકમાન્ડ પણ ગંભીર બની ગયું હતું. ખાસ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ આપ, AIMIMનું જોર વધી જાય તો ભાજપ માટે જોખમકારક બની શકે તેમ છે.

ગુજરાતમાં 2021ના માર્ચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા નિશાળિયા જેવા બે રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIMએ ઝંપલાવ્યું હતું. એ સમયે પણ ભાજપ એકદમ કોન્ફિડન્સ સાથે ચૂંટણી લડ્યો હતો, ભાજપે આ ચૂંટણીમાં પણ 25 વર્ષની સત્તા દરમિયાન કરેલા વિકાસના નામે મત માગ્યા હતા અને ભાજપનો ભવ્ય વિજય પણ થયો હતો, પરંતુ સૌથી મોટો પડકાર એ આવ્યો કે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ હતી, જેથી ભાજપ માટે અત્યારસુધી મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસને જ હંફાવવાની હતી, પરંતુ આપ અને ઓવૈસીની પાર્ટી ઘૂસી જતાં ભાજપ માટે નવા બે પડકાર ઊભા થયા હતા.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એન્ટ્રી બાદ કેજરીવાલ અને ઓવૈસીની પાર્ટીનું મનોબળ વધી ગયું હતું, કેમ કે આખા દેશમાં ભાજપ માટે સલામત એવા ગુજરાતમાં ભાજપને ટક્કર આપી શકાય છે. તો ભાજપશાસિત અન્ય રાજ્યોમાં પણ મહેનત કરીએ તો ટક્કર આપી શકાય અને મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને ઓવૈસીની પાર્ટીએ ચૂંટણી લડી ત્યાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી હતી, મધ્યપ્રદેશમાં પણ છેલ્લાં 15 વર્ષથી ભાજપની સરકાર જ ચાલે છે.

ગત વર્ષે યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક કબજે કરી સૌને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ભાજપ-કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીએ ફાચર મારી પોતાની હાજરી નોંધાવી હતી. એમાંય મહેસાણા જિલ્લામાં અને વળી વડાપ્રધાન મોદીના વતન વડનગર તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળવી એ મોટી વાત કહી શકાય.

આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ આપની એન્ટ્રી થઈ હતી, જેમાં ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક પરથી આપના ઉમેદવારની જીત થઈ હતી. આ બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક મનાતી હતી તેમજ કચ્છની ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી હતી. જૂનાગઢ તાલુકા પંચાયતની જામકા બેઠક પર આપનો વિજય થયો હતો. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી હતી. બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર 3માં આપના એક ઉમેદવારની જીત થઈ હતી.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AIMIMએ કુલ 21 બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જોકે પાર્ટીને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં સફળતા મળી હતી અને તેમના 7 ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે AIMIMએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાં કુલ 20 ઉમેદવારને ટિકિટ આપી હતી, જે પૈકી 16 સીટ પર વિજય મેળવ્યો હતો.

(9:39 am IST)