Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદ રિવરફ્રન્ટ પર સહેલાણીઓ ઈ-સ્કૂટર ભાડે લઈને લટાર મારી શકશે

મ્યુનિ. તંત્ર દ્વારા ઈ-સ્કૂટર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટરો પાસેથી દરખાસ્ત મંગાવાઇ

 

અમદાવાદ શહેરીજનો માટે સાબરમતી નદીના બંને કાંઠાને કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયા છે. આ માટે મ્યુનિ. તંત્રે પહેલા તબક્કા હેઠળ વિવિધ આકર્ષણનાં કેન્દ્રો રિવરફ્રન્ટ ખાતે ઊભાં કર્યાં છે. રિવરફ્રન્ટના બંને કાંઠાના લોઅર પ્રોમિનાડ અને અપર પ્રોમિનાડ સહેલાણીઓને આકર્ષી પણ રહ્યા છે. તેમાં વૃદ્ધિ કરવા માટે સત્તાવાળાઓ આગામી દિવસોમાં ઈ-સ્કૂટરનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા ગંભીર બન્યા છે. જો બધું સાંગોપાંગ પાર ઊતરશે તો સહેલાણીઓ રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડમાં ઈ-સ્કૂટર ભાડેથી મેળવીને પરિવાર સાથે લટાર મારી શકશે. આ સુવિધા પશ્ચિમ અને પૂર્વ એમ બંને કાંઠે પૂરી પડાશે.

સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠાને સત્તાધીશો ચાલુ ચોમાસામાં રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે અઢી લાખ રોપા વાવીને ગ્રીન રિવરફ્રન્ટ બનાવવા જઈ રહ્યા છે. હાલમાં રિવરફ્રન્ટમાં બે લાખથી વધુ વૃક્ષ છે. પશ્ચિમ કાંઠાના આંબેડકરબ્રિજ પાસેના બાયો ડાઇવર્સિટી પાર્કમાં જ લુપ્ત થતી વનસ્પતિની પ્રજાતિઓનો સમાવેશ ધરાવતા ૬૦ હજારથી વધુ વૃક્ષ છે.રિવરફ્રન્ટના બંને કાંઠાને જોડનારો ભવ્ય ફૂટ ઓવરબ્રિજ પણ બની ચૂક્યો છે. સહેલાણીઓ આ ફૂટ ઓવરબ્રિજ ખાતે સેલ્ફી લેવાનો આનંદ માણી રહ્યા છે. આ ઉપરાંત બીજા તબક્કામાં રિવરફ્રન્ટને ઇન્દિરાબ્રિજ સુધી લંબાવાઈ રહ્યો છે

આમ સાબરમતી રિવરફ્રન્ટ લોકોને લોભાવનારો તો બની જ ગયો છે, પરંતુ હવે તંત્રે ભાડેથી અપાતી સાઇકલની જેમ સહેલાણીઓ માટે ભાડેથી ઈ-સ્કૂટર આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સહેલાણીઓ ભાડેથી સાઇકલ મેળવીને તેને લોઅર પ્રોમિનાડમાં ચલાવી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં સહેલાણીઓને સાઇકલ ઉપરાંત ઈ-સ્કૂટરનો વિકલ્પ ઉપલબ્ધ થાય તે માટેની કવાયત હાથ ધરાઈ છે.તંત્ર દ્વારા ઈ-સ્કૂટરને ભાડેથી મેળવવા માટે રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મગાવાઈ છે, જેમાં કોન્ટ્રાક્ટરો તેમની દરખાસ્ત રજૂ કરશે અને જે કોન્ટ્રાક્ટરની દરખાસ્ત આવકની દૃષ્ટિએ તંત્રને સારી લાગશે તેને ઈ-સ્કૂટરનો પ્રોજેક્ટ સોંપાશે. પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠા પર ત્રણ-ત્રણ સ્થળને ઈ-સ્કૂટર ભાડેથી લેવા માટે પસંદ કરાયાં છે.

(12:25 am IST)