Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં દરેક પે એન્ડ પાર્કમાં ભાડા દર્શાવતા 2 બોર્ડ 15 દિવસમાં લગાવવાનો મનપાનો આદેશ

અનેક પે એન્ડ પાર્કિંગની જગ્યાએ ભાડાં દર્શાવતાં બોર્ડ લોકોની નજરે જલદીથી પડતાં નથી.; એસ્ટેટ વિભાગને 15 દિવસનો સમય અપાયો

અમદાવાદ: શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા દેશનાં અન્ય મહાનગરો જેવી અસરકારક નથી. મેટ્રો રેલ પણ હજુ પા-પા પગલી ભરે છે. આ સંજોગોમાં વધુને વધુ લોકો ઘર-ઓફિસ જવા માટે પોતાની અંગત માલિકીનાં વાહન વસાવી રહ્યા છે. પરિણામે અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા સતત વકરતી જાય છે. આ સમસ્યાનાં નિરાકરણ માટે તંત્ર વિવિધ બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરે છે. ઉપરાંત મ્યુનિ. માલિકીના પ્લોટ તેમજ મલ્ટિલેવલ બિલ્ડિંગમાં વાહનોનાં પાર્કિંગની સુવિધા ઊભી કરાય છે. કેટલાક બ્રિજની નીચે તેમજ અમુક જગ્યાએ રોડ પાર્કિંગની સુવિધા પણ વાહનચાલકો મેળવી રહ્યા છે, પરંતુ આમાં ખાટલે મોટી ખોડ એ છે કે અનેક પે એન્ડ પાર્કિંગની જગ્યાએ ભાડાં દર્શાવતાં બોર્ડ લોકોની નજરે જલદીથી પડતાં નથી. કેટલાક કોન્ટ્રાક્ટરોની બદમાશીના કારણે વાહનચાલકોને તેમનાં પાર્કિંગનો ચાર્જ ચૂકવવાની ખબર પડતી નથી. પરિણામે તેઓને ધોળે દહાડે લૂંટવામાં આવતા હોય તેવી સ્થિતિ જન્મી છે.

શહેરના વાહનચાલકોને તેમનાં વાહનના પ્રકાર મુજબનું ભાડુ ચૂકવવું પડે છે. જોકે સીજી રોડ જેવા શહેરના રાજમાર્ગ પર વાહનચાલકોએ દર કલાક મુજબનું ભાડું ચૂકવવું પડે છે, જ્યારે બ્રિજ નીચેનાં પાર્કિંગમાં દર બે કલાક પ્રમાણે ભાડું લેવાય છે. સીજી રોડ પર ટુ-વ્હીલર પાસેથી દર કલાકના રૂ. પાંચ લેવાય છે, જ્યારે ફોર વ્હીલરચાલકો પાસેથી પ્રતિ કલાકના રૂ. ૨૦ લેવાઈ રહ્યા છે.જ્યારે બ્રિજ નીચેનાં પાર્કિંગના દરની વિગત જોતાં પહેલાં બે કલાક માટે સાઇકલનો એક રૂપિયો, ટુ-વ્હીલરના રૂ. પાંચ અને ફોર વ્હીલરના રૂ. ૧૫ લેવાય છે. બીજી તરફ મ્યુનિ. માલિકીના કેટલાક પ્લોટમાં પાર્કિંગ ચાર્જેબલ છે તો કેટલાકમાં મફત પાર્ક કરી શકાય છે. અલબત્ત મ્યુનિ. પ્લોટમાં પાર્કિંગ માટેનાં ટેન્ડરને કોન્ટ્રાક્ટરો તરફથી ધાર્યો પ્રતિસાદ મળતો નથી.

(12:53 am IST)