Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

તમામ શાકભાજી મોંઘાદાટ : ગૃહિણીઓના બજેટ વેરવિખેર

હાલ મોટાભાગના શાક જેવા કે ગવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી જેવા શાક ૧૦૦ રૂપિયાથી લઇ ૧૬૦ રૂપિયા કિલોના ભાવે મળી રહી છે

અમદાવાદ,તા.૯: ચોમાસામાં સામાન્‍ય રીતે વેલાવાળા શાકભાજીની આવક વધુ થતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીની આવક સામાન્‍ય કરતા ૩૦ ટકા ઓછી થઇ છે. પરિણામે હાલ બજારમાં શાકભાજીનો ભાવ ૧૫-૧૭ ટકા વધ્‍યો છે. આ વધારો છેલ્લા ૧૫ દિવસમાં નોંધાયો છે. જો કે આગામી ૧૫-૨૦ દિવસ બાદ જો સામાન્‍ય વરસાદ રહેશે તો ભાવ ઓછા થાય તેવી શક્‍યતા APMC ના સેક્રેટરી દિપક પટેલે વ્‍યક્‍ત કરી છે.

હાલ મોટાભાગના શાક જેવા કે ગવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી જેવા શાક ૧૦૦ રૂપિયાથી લઇ ૧૬૦ રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. ગવાર, ચોળી, ભીંડા જે અગાઉ ૬૦-૮૦ રૂપિયા કિલો હતા તે હવે ૧૦૦-૧૨૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ફણસી અગાઉ ૮૦ રૂપિયા કિલો હતી જે હાલ ૧૨૦ રૂપિયા કિલો જયારે વટાણા અગાઉ ૧૨૦ રૂપિયા કિલો હતા જે હાલ ૧૬૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

સિમલા મરચા અને ટિંડોળા અગાઉ ૪૦-૬૦ રૂપિયા કિલો હતા જે હાલ ૮૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આદુ, લીલા મરચા અગાઉ ૫૦-૬૦ રૂપિયા કિલો હતા તે હાલ ૮૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જોકે, ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ ટામેટા ૬૦ રૂપિયા કિલો હતા જે હાલ ૪૦ રૂપિયા કિલો મળી રહ્યા છે. વધતા ભાવ સામે ગ્રાહકોના બજેટ ઉપર અસર થઇ રહ્યો છે. શાકભાજી લેવા આવનારા દરેક લોકો વધતા ભાવ સામે ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યા છે. 

(10:31 am IST)