Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

બે દિવસ રસી આપ્યા બાદ સોમવારે જ તંત્ર હાંફી ગયું: રાજ્યભરમાં રસીની અછત સર્જાઈ

વેક્સિન ખૂટી પડતા આજે વેક્સિનેશન બંધ: રાજકોટ શહેરમાં 8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી

રાજકોટ: કોરોના સામે રક્ષણ આપવામાં કારગર નિવડતી વેક્સિનનો ત્રીજો ડોઝ ફક્ત વૃદ્ધો અને કોરોના વોરિયર્સને ફ્રીમાં અપાતો હતો, પણ આઝાદીના અમૃત મહોત્સવને લઈને આગામી 15 દિવસ સુધી બધાને મફત અપાશે તેવી જાહેરાત કરાઈ હતી પણ બે દિવસ રસી આપ્યા બાદ સોમવારે જ તંત્ર હાંફી ગયું હતું અને રાજ્યભરમાં રસીની અછત સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં તો રસીકરણ જ બંધ કરી દેવાયું હતું અને શહેરોમાં મંગળવારે પણ સેશન થવાના નથી.
બે ત્રણ દિવસ સુધી સ્ટોક આવવાની કોઈ શક્યતા નથી
રાજકોટ શહેરમાં 8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. પ્રથમ દિવસે 5100એ ડોઝ લીધો, બીજા દિવસે શનિવારે 4130 હતા, રવિવારે રજા હતી અને સોમવારે ફક્ત 1050નો જથ્થો મળ્યો હતો. આથી પહેલી કલાકમાં જ વેક્સિનેશન થઈ ગયું પછી લોકો આવતા ના પાડવી પડી હતી અને આરોગ્ય કેન્દ્રના દરવાજાઓ પર વેક્સિનેશન બંધ કર્યાના બોર્ડ લગાવ્યા હતા. શહેરમાં 8 લાખ લોકો પ્રિકોશન ડોઝ લેવામાં બાકી છે બધાને રસી આપવાની વાતો વચ્ચે 10,000માં જ તંત્ર હાંફી ગયું હતું. છેલ્લે કેન્દ્ર સરકાર પાસે સ્ટોક મગાયો છે તેવી દરેક સેન્ટરમાં માહિતી અપાઈ હતી જેથી એ સ્પષ્ટ થયું છે કે, હજુ બે ત્રણ દિવસ સુધી સ્ટોક આવવાની કોઈ શક્યતા નથી.
સોમવારે શહેરમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં સોમવારે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવનો આંક 64099 થયો છે. જ્યારે 13 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યામાં એકના ઘટાડા સાથે 102 થઈ છે. જે નવા કેસ આવ્યા છે તેમાં હાથીખાના, એરપોર્ટ રોડ, અવધ રેસિડેન્સી, ઘંટેશ્વર, ભોલેનાથ સોસાયટી માધાપર, નીલકંઠનગર, સહકાર સોસાયટી, દૂધસાગર રોડ, રામનાથપરા અને માધાપર વિસ્તારમાં આવેલી રતલાન સ્કાયલાઈનનો સમાવેશ થાય છે. દૂધસાગર રોડ પર રહેતા પરિવારના 7 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાથીખાના વિસ્તારમાં એકસાથે બે કેસ નીકળ્યા હતા. જોકે આરોગ્ય શાખાના જણાવ્યા મુજબ બંને અલગ અલગ કેસ છે એક જ પરિવારના નથી. આ ઉપરાંત વોર્ડ નં.11માંથી વધુ કેસ આવે છે પણ સોમવારે 12માંથી એકપણ કેસ વોર્ડ નં.11નો નથી.

(4:22 pm IST)