Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કલોલના અંબિકા હાઇવે પર કાર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ

કલોલ :  કલોલના અંબિકા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. હાઇવે પર વહેલી સવારે પુરપાટ વેગે જતી કારે બાઇકને ટક્કર મારી હતી જેને કારણે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. અકસ્માત થતા કાર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કલોલમાં આવેલ અંબિકા હાઇવે વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઇ રહ્યો છે.અઠવાડિયા અગાઉ પણ અહીં એક ગાડી પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો. સોમવારે વહેલી સવારે અંબિકા હાઇવે પરથી પુરપાટ વેગે પસાર થઇ રહેલ કાર ચાલકે કાબુ ગુમાવતા સવસ રોડ કુદાવી ગઈ હતી. આ સમયે કલોલમાં રહેતા અને સઈજ ખાતે તબેલો ધરાવતા ભીખાભાઇ હરગોવનભાઈ પટેલ અંબિકા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમના બાઈકને બેકાબુ ગાડીએ અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી.  કારની ટક્કર વાગતા બાઈક ચાલકનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું જેથી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાયો હતો.બાઈકને ટક્કર માર્યા બાદ ગાડી પણ પલટી ખાઈ જતા તેમાં બેઠેલા લોકોને પણ ઇજા થઇ હતી.કાર ચાલકની પત્ની ઘાયલ થતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અંબિકા હાઇવે પર અકસ્માત સર્જનાર કારચાલક નારોલ,અમદાવાદનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. વહેલી સવારે અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બીજી તરફ પોલીસે પણ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પુત્રની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે કલોલના અંબિકા હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. અકસ્માત નિવારવા તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

 

(5:08 pm IST)