Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ખંભાતના એસ.ટી.ડેપોમાં ઓનલાઈન ટિકિટો બુક કરાવી 2.16 લાખની છેતરપિંડી આચરનાર કર્મચારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી

આણંદ : ખંભાતના એસ.ટી. ડેપો ખાતે એજન્ટો દ્વારા ઓનલાઈન ટીકીટો બુક કરાવી બાદમાં ટીકીટો કેન્સર કરાવી રીફંડ મેળવી કરવામાં આવેલા રૂા.૨.૧૬ લાખ ઉપરાંતની છેતરપીંડીના ગુનામાં  એસ.ટી. વિભાગના કેટલાક કર્મચારીઓ સહિતના અનેકની સંડોવણી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ તો આણંદ સાઈબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ ડેટા એકત્ર કરી આ ઘટનામાં ઝીવણટભરી તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ખંભાતના એસ.ટી. ડેપોમાં વર્ષ-૨૦૨૨ના જાન્યુઆરીથી મે માસના સમયગાળામાં સંજયભાઈ બારીયા, વિપુલભાઈ મોહનીયા સહિતના અન્ય પાંચેક જેટલી એજન્સીઓ દ્વારા ૩૫૮ જેટલી ટીકીટો બુક કરાવી બાદમાં તેને કેન્સલ કરાવી રીફંડ મેળવી કુલ રૂા.૨.૧૬ લાખ ઉપરાંતની છેતરપીંડી આચરવામાં આવી હતી. આ અંગે ખંભાત ડેપોના મેનેજર દ્વારા આણંદ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત એસ.ટી. ડેપો ખાતેથી ઝડપાયેલ આ સમગ્ર રેેકેટમાં એજન્ટો  ઉપરાંત એસ.ટી. ડેપોના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ઓનલાઈન ટીકીટો બુકિંગ કરાયા બાદ સમગ્ર ડેટા અમદાવાદની મુખ્ય ઓફીસ તેમજ જે-તે ડેપો ખાતે મોકલાતો હોય છે. બાદમાં બસ ઉપડવાના પહેલા જે-તે ડેપો મેનેજર કે કંટ્રોલ ઓફીસ દ્વારા રીઝર્વેશન સીટોની ખાતરી કરી એસ.ટી. બસના ડ્રાઈવર-કંડક્ટરને તે અંગેની જાણ કરવાની હોય છે. જો કે એજન્ટો દ્વારા બસ ઉપડવાની ગણતરીની મિનિટો પહેલાં જ બુકીંગ કેન્સલ કરાવી રીફંડ માટે દાવો કરાયો હતો. જેની સત્તા ડેપો મેનેજર પાસે હોય છે જો કે એજન્ટોએ ડેપો મેનેજરનો યુઝર આઈ.ડી. તથા પાસવર્ડ હેક કરી રીફન્ડની રકમ પોતાના ખાતામાં ઓનલાઈન જમા કરાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તો બીજી તરફ ટીકીટ કેન્સલ કરાવેલ મુસાફરે બસમાં મુસાફરી કરી કે કેમ તે પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા વિવિધ મુદ્દા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તે મસમોટું રેકેટ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે.

 

(5:08 pm IST)