Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનસુખાકારીના લાભો પૂરા પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધારઃ માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૨૫૭ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામો મંજૂર: ૧૨ જિલ્લાઓના આદિજાતિ વિસ્તારોમાં બારમાસી રસ્તાઓ માટે ૮૨ માળખાગત સુવિધાઓ સહિત ૨૭૬.૯૯ કિલોમીટરના રસ્તાઓને મંજૂરી: શાળાએ જતા બાળકોને સુવિધાઓ પૂરી પાડવા ૧૮૯ રસ્તાઓ તથા ૭૧ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરાશે: દર્દીને સમયસર તબીબી સારવાર મળી રહે તે હેતુસર ૨૯.૩૦ કિમીની લંબાઈના ૧૧ સ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે

ગાંધીનગર: માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે, રાજ્યની અવિરત વિકાસયાત્રાને વધુને વધુ વેગવાન બનાવવા તથા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનસુખાકારીના લાભો પૂરા પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત ચાલું નાણાંકીય વર્ષ અંતર્ગત માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૨૫૭ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યાં છે.
મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વિવિધ માળખાકીય સવલતોના નિર્માણ માટે અનેકવિધ વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારોમાં શાળાએ જતા બાળકોનું શિક્ષણકાર્યમાં અવરોધ ઊભો ન થાય તેમજ આ વિસ્તારના દર્દીઓને આકસ્મિક સંજોગોમાં સત્વરે તબીબી સારવાર મળી રહે તે આશયથી ૧૨ જિલ્લાઓના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ યોજના અંતર્ગત ગામમાંથી નિશાળે જવા માટેનો કાચો રસ્તો હોય, ગામ અને નિશાળ નદીની સામ સામે હોય તથા તબીબી સારવાર માટે દર્દીને સારવાર માટે લઈ જવામાં આવતા હોય એવા સંજોગોમાં બારમાસી પાકા રસ્તાના નિર્માણ માટે આ કામો મંજૂર કરાયાં છે, જેમાં ગામમાંથી નિશાળે જવા માટે કાચો રસ્તો હોય તેવા ૧૨ જિલ્લાઓમાં ૨૪૭.૬૯ કિમી લંબાઈના ૧૮૯ કામોને રૂ. ૧૩૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગામ અને નિશાળ નદીની સામ સામે હોય તેવા આદિજાતિ વિસ્તારના ૯ જિલ્લાઓમાં રસ્તાઓ પરના ૭૧ સ્ટ્રક્ચરના કામોને રૂ. ૯૨.૧૩ કરોડના ખર્ચે નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ દર્દીઓને આકસ્મિક સમયે ઝોળીમાં લઈ જવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, તેનું નિરાકરણ કરી સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે આદિજાતિ વિસ્તારના આઠ જિલ્લાઓમાં રૂ. ૨૯.૩૦ કિલોમીટર લંબાઈના રસ્તાઓ તથા ૧૧ સ્ટ્રક્ચર બનાવવાના કામો રૂ.૩૪.૬૦ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ તબક્કામાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ મળી કુલ ૧૨ જિલ્લાના આદિજાતિ વિસ્તારના શાળાએ જતા બાળકોને તેમજ તે પૈકી ૮ જિલ્લાના આદિજાતિ વિસ્તારના દર્દીઓને ગામથી આરોગ્ય કેન્દ્ર સુધી જવા બારમાસી રસ્તાઓનો લાભ મળશે.

(5:09 pm IST)