Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

દક્ષિણ, ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં 19 અને 20 જુલાઇએ ભારે વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ વચ્‍ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડશે

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં વરસાદની આગાહી થતા અમદાવાદમાં ભારે વરસાદ પડયો જ્‍યારે અન્‍ય જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અરવલ્લીના શામળાજીમાં વરસાદ પડતા વાહનચાલકો મુશ્‍કેલીમાં મુકાયા છે. 19 અને 20 જુલાઇ તથા 22મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે.

અમદાવાદ: વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ તૂટી પડ્યો છે. આગામી 3 કલાક દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદ શરૂ

અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ચાંદખેડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોઁધાયો છે. તો પ્રહલાદનગર, મેમનગર, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, મોટેરા, ચાંદખેડા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક કલાક વરસાદ યથાવત રહેશે. વરસાદને કારણે અમદાવાદના માર્ગો પર વાહનોની ગતિ પર લગામ લાગી, આવી જ સ્થિતિ યથાવત રહે ફરી શહેરમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ શકે છે. ઼ગાંધીનગરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. અત્યારસુધી ગાંધીનગરમાં સામાન્ય વરસાદ હતો, પરંતુ વહેલી સવારથી વરસાદે જમાવટ કરી છે. પાટનગરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

શામળજીમાં રસ્તા પર નદીઓ વહી

અરવલ્લીના શામળાજી પડેલ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ નદીને જેમ વહેતા થયા. શામળાજીના ચિતરીયા આવેલ પેટ્રોલ પંપો પર પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો મોટા કંથારીયા લોકોના ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વાંકાટીમ્બા અને દહેગામડાના કોઝવે પર  પુર આવતા ૪ વધુ ગામોનો સંપર્ક વિહોણા બન્યા છે. જેથી તંત્ર દ્વારા તેમની સુરક્ષાની કામગીરી આરંભી દેવાઈ છે.

અંબાજીમાં બે દિવસનાં વિરામ બાદ ફરીથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. ધીમીધારે શરૂ થયેલો વરસાદ ગાજવીજ પર પહોંચી ગયો છે. અંબાજીનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. બજારોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. તો હાઇવે માર્ગ પર પાણીના તળાવ જોવા મળી રહ્યાં છે. હાઇવે પર ભરાયેલાં પાણીથી વાહનો ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. સવારે નોકરી-ધંધા જતાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો.

(5:09 pm IST)