Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગનો જથ્થો ઝડપવા આગામી દિવસોમાં ખાનગી ચેકીંગ હાથ ધરવામાં આવશે

સુરત:સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગના કાયદાનો અમલ થઈ રહ્યો હોવા છતાં  સુરતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે. પહેલા ખુલ્લેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થતો  હતો પરંતુ હવે થોડી સાવધાની રાખી ઉપયોગ થાય છે.  પાલિકા તંત્ર એવો દાવો કરે છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું મેન્યુફેકચર સુરતમાં  થતું નથી અને હોલસેલ વેપારીઓ પાસે  જથ્થો નથી. પરંતુ સુરત બહારથી ખાનગી વાહનોમાં જથ્થો આવે છે તેને ઝડપવા  આગામી દિવસોમાં ખાસ ડ્રાઈવ કરવામાં આવશે

સુરત મ્યુનિ. તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ સુરતમાં ન હોવાનો દાવો કરે છે પરંતુ જે રીતે સુરતના લારીવાળા, દુકાનવાળા અને રેકડીવાળાઓ પાસે જે રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ આવે છે તેના કારણે પાલિકા નો દાવો ખોટો હોવાનું કહેવાઈ રહ્યું છે. . આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત  પ્લાસ્ટિક બેગ માટે સુરતના જ કોઈ વેપારી જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે. સુરત પાલિકા તંત્ર નાના વેપારી કે લારી વાળા પાસે દંડ વસુલવાના બદલે  જે વેપારી સુરતમાં પ્લાસ્ટિક  બેગનો સપ્લાય કરે છે તેને જ રોકવામા આવે તો જ સુરતમાં પ્રતિબંધિત  પ્લાસ્ટિક બેગનો અમલ કડકાઈથી થઈ શકે તેમ છે.

સુરત પાલિકાના સુત્રો દાવો કરે છે કે  પ્લાસ્ટિક બેગનું મેન્યુફેકચર સુરતમાં  થતું નથી અને હોલસેલ વેપારીઓ પાસે  જથ્થો નથી પરંતુ કેટલાક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઠાલવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ વેપારીઓ સામે પાલિકા લાલ આંખ કરે તો જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અટકાવી શકાય તેમ છે.

(5:09 pm IST)