Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરતના મોટા વરાછામાં સિગ્નલ તોડનાર કાર ચાલકને ઠપકો આપનાર ટીઆરબીના જવાન પર ચપ્પૂથી હુમલોનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ ફરિયાદ

સુરત: મોટા વરાછાના વીઆઇપી સર્કલ પર ટ્રાફિક સિગ્નલ તોડનાર કાર ચાલકને ઠપકો આપનાર ટીઆરબી જવાન પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે એએસઆઇ અને સાથી ટીઆરબી જવાનો મદદે દોડી આવતા કાર ચાલક અને તેનો મિત્ર ભાગી ગયા હતા. 

મોટા વરાછાના વીઆઇપી સર્કલ પાસે ગત રાતે ફરજ બજાવી રહેલા ટીઆરબી મયુર ઘનશ્યામ કૌશલ (ઉ.વ. 22) એ અમરોલી બ્રિજ તરફથી આવતા વાહનો અટકાવ્યા હતા. સિગ્નલ બંધ હોવા છતા અર્ટીગા કારના ચાલકે કાર હંકારતા મયુરે કાર અટકાવવા હાથનો ઇશારો કરી કાર પર હાથ મુકયો હતો. જેથી કાર ચાલક થોડે આગળ જઇ પરત આવ્યા હતા અને તે અમારી ગાડીને કેમ હાથ માર્યો, તુ સાઇડ પર ચાલ તારી સાથે વાત કરવી છે એમ કહી સાઇડ પર લઇ ગયા હતા. જયાં મયુરને માર મારી તું અમને જાણતો નથી, હું વરાછાનો પાર્થ અને જયદીપ ઉર્ફે ડુટ્ટો છે એમ કહી પાર્થએ ચપ્પુ કાઢ્યું હતું. જેથી મયુરે બચવા માટે દોટ લગાવી અને ટ્રાફિક પોઇન્ટ ઇન્ચાર્જ એએસઆઇ લાલુભાઇ નાથાભાઇ તથા ટીઆરબી ભાવેશ ભીખાભાઇ, રોહિત ઠાકોર અને અરૂણ નરેન્દ્રસિંહને બુમ પાડી તેઓને બોલાવ્યા હતા. જેથી પાર્થ અને જયદીપ ઉર્ફે ડુટ્ટો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના અંગે મયુરે અમરોલી પોલીસમાં અર્ટીગા કાર સવાર પાર્થ અને જયદીપ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

(5:09 pm IST)