Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી પાંચ શખ્સો પર હુમલો કરવામાં આવતા એકનું મૃત્યુ

સુરત: પાંડેસરાના ગોપાલ નગરમાં રસ્તાની સાઇડ પર ચાલવાની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં સાઇકલ સવાર ત્રણ સહિત સાતથી આઠ જણાએ લાકડાના ફટકા અને ચપ્પુ સાથે ઘસી આવી ત્રણ સગા ભાઇ સહિત પાંચ જણઆ પર હુમલો કર્યો હતો. જેમાં એકને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત થયુ હતું. પાંડેસરાના ગોપાલ નગરમાં રહેતા અને ફર્નિચર કંપનીમાં નોકરી કરતા મહેન્દ્ર જગદીશ યાદવ (ઉ.વ. 18) તેનો ભાઇ રવિન્દ્ર યાદવ, મંગેશ યાદવ, ફોઇનો દીકરો નીરજ યાદવ, મિત્ર અરવિંદ યાદવ રવિવારે રજા હોવાથી સચિન તરફ ફરવા ગયા હતા. જયાંથી પરત આવી તેઓ પાંડેસરા મિલન પોઇન્ટ પાસે શાકભાજી ખરીદી પગપાળા પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાછળથી સાઇકલ પર આવી રહેલા ત્રણેક મિત્રો સાથે રોડની સાઇડ પર ચાલવા બાબતે ઝઘડો થયો હતો.

સાઇકલ સવાર ત્રણ મિત્રોએ મહેન્દ્ર અને તેના ભાઇ તથા મિત્રોને ગાળ આપી માર માર્યો હતો. જેથી મહેન્દ્રએ ભાઇ અબ જાને દો દોબારા ગલતી નહીં હોગી એમ કહી માફી માંગી મામલો થાળે પાડયો હતો. પરંતુ સાઇકલ સવાર ત્રણેય જણાએ પીછો કરી મહેન્દ્રના ઘર સુધી ગયા હતા. જયાં ધમકી આપી હતી કે તુમ લોગ રૂકો અભી હમ તુમ્હે બતા તે હૈ. એમ કહીને ગયા બાદ પંદરેક મિનીટમાં સાઇકલ સવાર ત્રણેય સહિત સાતથી આઠ જણા લાકડાના ફટકા અને ચપ્પુ સાથે ઘસી આવ્યા. અરવિંદ યાદવ (ઉ.વ. 26) ઘરની બહાર મોબાઇલ પર વાત કરી રહ્યો હતો તેને માર મારી ચપ્પુના ત્રણથી ચાર ઘા મારી દેતા આંતરડા બહાર આવી ગયા હતા. મહેન્દ્ર, નીરજ, મંગેશ અને રવિન્દ્રએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને પણ માર મારતા બંને જણા રૂમમાં ભાગી જઇ દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ હુમલાખોરોએ દરવાજો પણ તોડી નાંખ્યો હતો. જયારે અરવિંદ પોતાનો જીવ બચાવવા પડોશીની રૂમમાં ઘુસી ગયો હતો. જેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 

(5:10 pm IST)