Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વડોદરાની ફતેગંજની હોટલમાંથી ચોરી કરીને છુમંતર થતા ગઠિયાને સિક્યુરિટીગાર્ડે ઝડપી પોલીસને હવાલે કર્યો

વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારની હોટલના શટરનું તાળું તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સને બાજુની હોટલના સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક મહિલાના નાસી છૂટવામાં સફળ રહી હતી. તપાસ કરતા નજીકમાંથી હોટલમાંથી ચોરી થયેલા મોનિટર અને કીબોર્ડ મળી આવ્યા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે,  ફતેગંજ સેફ્રોન ટાવરની સામે આર.કે સેન્ટરમાં અરોમા હોટલ આવેલ છે. ગઈકાલે રાત્રિના એક વાગ્યાના સુમારે હોટલ સંચાલક આશુતોષ પંડ્યાના મિત્ર નમાજનાને હોટલનું તાળું તૂટેલું હોય લોબીમાં એક શખ્સ જીંજર હોટલ તરફ કૂદી પાર્કિંગમાં સંતાઈ ગયો હોવાનું નજરે ચડ્યું હતું. જેથી તેમણે શોર મચાવતા જીંજર હોટલના સિક્યુરિટી ગાર્ડે છુપાયેલા શખ્સને ઝડપી પાડ્યો હતો. બનાવ સંદર્ભે કંટ્રોલમાં જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. હોટલમાંથી ચોરી થયેલા એક મોનિટર તથા કીબોર્ડ બહાર લોબીના એક થેલામાંથી મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી જ્હોન ઉર્ફે રાહુલ રોકી ઠકે ( રહે- ફૂટપાથ ઉપર , ફતેહગંજ બ્રિજ નીચે ) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે મહિલા સાગરીત નાસી છૂટી હોવાની વિગતો સપાટી પર આવી હતી. આમ , હોટેલના શટરનું તાળું તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સને સંચાલકના મિત્રની સતર્કતાના પગલે જીંજર હોટલના સિક્યુરિટી ગાડે ઝડપી પાડ્યો હતો.

 

(5:14 pm IST)