Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

તાપી જિલ્લાના ઉકાઇ ડેમના 6 દરવાજા ખોલતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્‍તારના રહીશોને એલર્ટ કરાયા

ડેમમાં પાણીની સપાટી વધતા અને હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ડેમ પ્રશાસન દ્વારા નિર્ણય

તાપીઃ મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશમાં સહિત પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા ચા રફુટ ખોલતા તાપી નદીમાં 60 હજાર ક્‍યુસેક પાણી છોડતા નીચાણવાળા વિસ્‍તારને એર્લ કરી દેવાયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવત થતાં સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. જે જોતા ડેમના સત્તાધીશો દ્વારા સાત્રે 8 કલાકે ડેમના 6 ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત તાપી જિલ્લામાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જે બાદ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે સપાટી 333.05 ફૂટ પર પોહચતાં ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ પાણીની જાવક તબક્કાવાર વધારવામાં આવશે એમ અધિકારી દ્વારા જણાવાયું છે. તો બીજી તરફ તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના અપડેટ અનુસાર, અત્યાર સુધી ગુજરાતમાં 255.7 જેટલો વરસાદ હોવો જોઈએ, જેની જગ્યા એ 443 mm વરસાદ પડ્યો છે.

(5:12 pm IST)