Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વડોદરાના વાઘોડિયા રોડ પર દારૂનો વેપલો ચલાવતા શખ્સને પોલીસે 17 બોટલ સાથે ઝડપી પાડયો

વડોદરા: ડીસીપી ઝોન-૩ ની એલ.સી.બી.ટીમે વાઘોડિયા રોડ પર સ્કોચ વ્હીસ્કી વેચતા આરોપીને ૧૭ બોટલ સાથે ઝડપી પાડયો છે.અગાઉ  પીસીબી પોલીસે કરેલી રેડ  અને આજે એલ.સી.બી. પોલીસે કરેલી રેડમાં પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

ડીસીપી ઝોન-૩ ના સ્ટાફને માહિતી મળી હતી કે,વાઘોડિયા રોડ ડી-માર્ટ પાસે અશ્વમેઘ કોમ્પલેક્સમાં રહેતો ચિરાગ મોદી વિદેશી દારૃનો ધંધો કરી રહ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને તપાસ કરતા મકાનની દીવાલમાં ગોખલામાં સંતાડેલી અલગ-અલગ વિદેશી દારૃની બોટલો મળી આવી હતી.પોલીસે સ્કોચ વ્હીસ્કીની  ૧૭ બોટલ કિંમત રૃપિયા ૨૩,૯૦૦ ની  કબજે કરી છે.પોલીસે દારૃ ઉપરાંત  આરોપી પાસેથી એક મોબાઇલ ફોન  પણ કબજે લીધો હતો.આરોપી દારૃ ક્યાંથી લાવ્યો ? કેટલા સમયથી ધંધો કરે છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આરોપી ચિરાગ કીર્તિકુમાર મોદીને પકડી પૂછપરછ કરતા આ ગુનામાં કુણાલ શાહ નામના આરોપીની પણ સંડોવણી બહાર આવતા  પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં ડીસીપી ઝોન-૪ ની ટીમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી નરેન્દ્રસિંહ રમેશસિંહ માંગરોલા (રહે.હરીઓમ નગર,  દંતેશ્વર) ને ઝડપી પાડયો છે.

(5:13 pm IST)