Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પ્રત્યેક નાગરિકના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન

રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦ લાખ ઘર અને શહેરી વિસ્તારમાં ૫૦ લાખ ઘર મળીને ૧ કરોડથી વધુ ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન

ગાંધીનગર: પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યની તૈયારીઓ અંગે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિસ્તૃત માહિતી આપતા કહ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવને નવી રીતે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. 'હર ઘર તિરંગા' એ દેશના દરેક નાગરિકના હૃદય અને દિમાગમાં દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જવાનો કાર્યક્રમ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન અંગે વિડિયો કોન્ફરન્સિંગનુ આયોજન કર્યુ હતુ જેમા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા. ગુજરાતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦ લાખ ઘર અને શહેરી વિસ્તારમાં ૫૦ લાખ ઘર એમ કુલ મળીને ૧ કરોડ થી વધુ ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન કર્યું છે. ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો સહિતના સાર્વજનિક સ્થળો પર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. તે ઉપરાંત મહાનગરોમાં વોર્ડ વાઇઝ તેમજ ગામડાઓમાં પંચાયત ઘર પર રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યના ૫૦થી વધારે ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર તથા ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પરથી પણ રાષ્ટ્રધ્વજની ખરીદી નાગરિકો કરી શકશે.
મંત્રીશ્રીએ વધુ વિગત આપતા કહ્યુ કે, આ કાર્યક્રમ વિશ્વનો પહેલો એવો કાર્યક્રમ હશે જે ક્યારેય કોઈ રાષ્ટ્રે તેની સ્વતંત્રતા કે અન્ય કોઈ દિવસની ઉજવણી માટે કર્યો ન હોય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવાનું આહવાન કર્યું છે. દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે. ભારત સરકારે નિશ્ચિત કરેલી એજન્સી મારફત ૫૦ લાખ રાષ્ટ્રધ્વજ ખરીદવામાં આવશે. આ ઉપરાંત જેમ પોર્ટલ ઉપર ઉપલબ્ધ એજન્સીઓ મારફત પણ રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવશે. શહેરી ક્ષેત્ર માટે ૩૦ લાખ અને ગ્રામીણ વિસ્તારો માટે ૨૦ લાખ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

(5:13 pm IST)