Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી ૮૭.૮૫ મીટર થી વધીને ૮૭.૯૧ મીટર થતાં રૂલ લેવલ જાળવવા ચાર દરવાજા આંશિક ખોલાયા બાદ વડોદરાના જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું

અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા,કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું

વડોદરા: ઉપરવાસમાં વરસાદને લઈને મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી ૮૭.૮૫ મીટર થી વધીને ૮૭.૯૧ મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં.૩/૪/૫/૬ ને ૦.૪૫ મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેને અનુલક્ષીને વાઘોડિયા, ડભોઇ અને વડોદરા ગ્રામ સહિત અસર પામતા તાલુકાઓના તંત્રોને સતર્ક રહીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા,કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.

આજવા જળાશયમાં તા.૧૫ મી ઓગષ્ટ સુધી ૨૧૧ ફૂટની સપાટી જાળવવાની છે. વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલી સૂચના પ્રમાણે વહેલી પરોઢના ત્રણ વાગે આજવાની સપાટી વધીને ૨૧૦.૩૫ ફૂટ થઈ હતી. પાણીની આવક ૭૫૯૨ ક્યુસેક હતી. તેની સાથે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ પાણીનું સ્તર વધતું જોવા મળ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, વડોદરા સહિત આસપાસના વાતાવરણમાં ઘેરાયેલા વાદળો જોવા મળી રહ્યા છે. ગતરાતથી વડોદરામાં વરસાદે ભારે બેટીંગ કરી હતી. જો કે, સવાર થતા જ વિરામ લીધો હતો. પાણીની આવક વધતા આજવા સરોવરમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. તાજેતરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી મિટીંગમાં વડોદરાનું તંત્ર ચોમાસાની સ્થિતીને ધ્યાને રાખીને સંભવિત સ્થિતીને પહોંચી વળવા સજ્જ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાણીની વધતી સ્થિતી પર તંત્રની સઘન નજર છે.

(5:41 pm IST)